Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

ફિફા કપ : ઓસ્ટ્રેલિયા પર ફ્રાન્સની ૨-૧થી જીત થઈ

ફ્રાન્સ તરફથી ગ્રીઝમેન, પોગ્બાએ ગોલ કર્યા : ઓસ્ટ્રેલિયા વતી જેડીનેક દ્વારા ૬૨મી મિનિટમાં ગોલ

કજાન,તા. ૧૬ : સ્ટાર સ્ટ્રાઈકર પોલ પોગ્બા દ્વારા ૮૧મી મિનિટમાં કરવામાં આવેલા શાનદાર ગોલન મદદથી પૂર્વ વિજેતા ફ્રાન્સે આજે કજાન એરીના ખાતે રમાયેલી ગ્રુપ-સીની એક મેચમાં ઓસ્ટ્રેલિયા પર ૨-૧થી જીત મેળવીને વર્લ્ડકપમાં પોતાના અભિયાનની જોરદાર શરૃઆત કરી હતી. ફ્રાન્સ માટે એન્ટોનીયો ગ્રીઝમેને ૫૮મી મિનિટમાં અને પોગ્બાએ ૮૧મી મિનિટમાં ગોલ કર્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન મિલે જેડીનેકે ૬૨મી મિનિટમાં ગોલ કર્યો હતો. ગ્રીઝમેન અને જેડીનાકે પેનલ્ટી મારફતે ગોલ કર્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે રશિયામાં શરૃ થયેલા ફીફા  વર્લ્ડ કપમાં રોમાંચ મેચોનો દોર જારી રહ્યો છે. એકબાજુ ગઈકાલે શુક્રવારના દિવસે રમાયેલી પ્રથમ મેચમાં ઇજિપ્ત પર ઉરુગ્વેએ છેલ્લી ઘડીએ કરવામાં આવેલા ગોલની મદદથી જીત મેળવી હતી. જ્યારે મોરક્કોની ઇરાન સામે આત્મઘાતી ગોલના કારણે હાર થઇ હતી. સૌથી રોમાંચક મેચ ધારણા પ્રમાણે જ પોર્ટુગલ અને સ્પેન વચ્ચે રહી હતી. આ મેચમાં છેલ્લી ઘડીએ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ શાનદાર ગોલ કરીને ફીફા વર્લ્ડ કપ ૨૦૧૮માં પ્રથમ હેટ્રિક કરી હતી. તેની હેટ્રિકની મદદથી ગ્રુપ બીની સૌથી મુશ્કેલ મેચમાં સ્પેન સામે પોર્ટુગલ મેચને ૩-૩થી બરોબર કરવામાં સફળ રહ્યુ હતુ. સ્પેનની ટીમ ૮૮મી મિનિટમાં ૩-૨ ગોલથી આગળ હતી. પરંતુ પીકની ભુલના કારણે પોર્ટુગલને ફ્રી કિક મળી ગઇ હતી.

જેને રોનાલ્ડોએ ગોલમાં ફેરવીને સ્પેનની છાવણીમાં સોપો પાડી દીધો હતો. રોનાલ્ડોએ મેચમાં ચોથી, ૪૪મી અને ૮૮મી મિનિટમાં ગોલ કર્યા હતા. સ્પેન માટે ડિએગો કોસ્ટાએ ૨૪ અને ૫૫મી મીનિટમાં ગોલ કર્યા હતા.સ્પેને ત્રણ મિનિટના ગાળામાં જ બે ગોલ કરીને લીડ મેળવી લીધી હતી.

(8:08 pm IST)