Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

ઈંગ્લેન્ડની પીચો ઉપર ટર્ન ઓછો રહ્યો તો સ્પિનરોને વધુ મહેનત કરવી પડશે : ભારત જ વર્લ્ડકપ જીતશે : ચેતેશ્વર

મુંબઈ, તા. ૧૬ : ચેતેશ્વર પૂજારાને વિશ્વાસ છે કે ભારત જો પોતાની સંપૂર્ણ ક્ષમતાથી રમતે તો વિશ્વ કપ જીતી શકે છે. પૂજારાએ કહ્યું, 'એક ભારતીય ક્રિકેટર હોવાના નાતે હું પણ અન્ય ભારતીયની જેમ ઈચ્છું છું કે ભારત વિશ્વ કપ જીતે. આપણી ટીમ ઘણી સારી છે.' આઈસીસી વિશ્વ કપ ૩૦ મેથી ઈંગ્લેન્ડમાં શરૂ થવા જઈ રહ્યો છે. તેમાં ભારત ૫ જૂને આફ્રિકા સામે રમીને પોતાના અભિયાનનો પ્રારંભ કરશે.

વિશ્વ કપમાં ભારતની સંભાવનાઓ પર પૂજારાએ કહ્યું, ટીમને પણ ખાતરી છે. ઘણા ખેલાડીઓ આઈપીએલમાં પણ રમ્યા છે, જેનાથી તેની પ્રેક્ટિસ પણ થઈ છે. વિશ્વ કપ શરૂ થતાં પહેલા કેટલાક પ્રેક્ટિસ મેચ પણ છે, જેનાથી ટીમને ફાયદો થશે. ટીમનું સંતુલન સારૂ છે. જો ટીમ પોતાની ક્ષમતા અનુસાર રમે છે તો વિશ્વ કપ જીતવાની હકદાર છે.

ચેતેશ્વર પૂજારાએ કહ્યું કે જો ઈંગ્લેન્ડની પિચો પર ટર્ન ઓછો રહ્યો તો સ્પિનરોને મુશ્કેલી થઈ શકે છે. તેવામા તેણે વિકેટ લેવા માટે વધુ મહેનત કરવી પડશે અને પોતાની બોલિંગમાં ફેરફાર પણ કરવો પડશે. જો સ્પિનર ટીમને વચ્ચેની ઓવરોમાં વિકેટ ન અપાવી શકે તો ટીમને મુશ્કેલી થઈ શકે છે.

વિશ્વ કપનું આયોજન આ વખતે રાઉન્ડ રોબિન ફોર્મેટમાં થશે, જ્યાં દરેક ટીમ વિશ્વકપમાં ભાગ લેનારી તમામ ટીમો વિરુદ્ધ રમવું પડશે. પૂજારાએ કહ્યું, મારૂ પોતાનું એવું માનવું છે કે તેનાથી તમને વધુમાં વધુ મેચ રમવા મળશે. જો તમે વધુમાં વધુ મેચ રમો છો તો તમારી પાસે આગામી રાઉન્ડમાં પહોંચવાની સારી તક છે.

(4:55 pm IST)