Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

બીસીસીઆઇ દ્વારા મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે ટી-૨૦ ચેલેન્જ મેચની જાહેરાતઃ ઓસ્‍ટ્રેલિયા-ન્‍યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડના ખેલાડીઓ મેચમાં ઝંપલાવશે

નવી દિલ્હીઃ મહિલા ક્રિકેટને પ્રોત્‍સાહન આપવા માટે બીસીસીઆઇ દ્વારા ટી-૨૦ ચેલેન્‍જ મેચનું આયોજન કરાયું છે. જેમાં ઓસ્‍ટ્રેલિયા-ન્‍યુઝીલેન્‍ડ અને ઇંગ્‍લેન્ડના ખેલાડીઓ ઝંપલાવશે.

આ પ્રદર્શની મુકાબલામાં ટી-20 ટીમને કેપ્ટન હરમનપ્રીત કૌર અને દિગ્ગજ બેટ્સમેન સ્મૃતિ મંધાના ટીમની આગેવાની કરશે. 

બીસીસીઆઈએ મંગળવારે આ મુકાબલાની જાહેરાત કરી. આ મહિલા ટી-20 ચેલેન્જ મેચ 22 મેએ રમાશે. બીસીસીઆઈએ પોતાના નિવેદનમાં કહ્યું કે, વર્લ્ડ કપ-2017ની ફાઇનલમાં પહોંચેલી ભારતીય ટીમની સફળતાને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડના ખેલાડીઓ રમતા જોવા મળશે. 

મામલાને લઈને આઈપીએલના ચેરમેન રાજીવ શુક્લાએ પોતાના નિવેદનમાં કહ્યું, આઈપીએલ પહેલાની જેમ યથાવત રહેશે. અમારો પ્રયત્ન છે કે મહિલા ક્રિકેટરોને પણ આઈપીએલ જેવા મોટા મંચ પર રમવાનો અવસર મળે. આ મેચ માટે અમે ઘણા ક્રિકેટ સંઘો સાથે વાત કરી છે. હું તેના પરિણામથી ખુશ છું. ન્યૂઝીલેન્ડની કેપ્ટન સુજી બેટ્સ, મહિલા ક્રિકેટમાં સૌથી ઝડપી અર્ધસદી ફટકારનાર ઓપનિંગ બેટ્સમેન સોફી ડેવિન, ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર એલિસ પેરી, વિકેટકીપર બેટ્સમેન એલિસા હિલી, મેગલ સ્કટ અને બેથ મૂની આ મેચમાં રમવા માટે તૈયાર છે. 

તેમણે જણાવ્યું કે આ મેચમાં ઈંગ્લન્ડ તરફથી ડેનિયલ વેટ અને ડેનિયલ હેજલ પણ ભાગ લેશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે અને તેનું લાઇવ પ્રસારણ ભારત અને વિશ્વભરમાં કરવામાં આવશે. 

કમિટી ઓફ એડમિનિસ્ટ્રેશન (COA)ની મેમ્બર અને પૂર્વ ભારતીય મહિલા ક્રિકેટર ડાયના એડુલ્જીએ જણાવ્યું કે, મિતાલી રાજ, ઝુલન ગોસ્વામી, હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના અને વેદા કૃષ્ણામૂર્તિ સહિત દેશ-વિદેશના ખેલાડીઓ આ મેચમાં રમશે. બીસીસીઆઈ આ મેચને મહિલા ક્રિકેટની ભવિષ્ય તરીકે જોઈ રહી છે. 

(7:20 pm IST)