Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

સૌરાષ્ટ્ર ૨૦ ઓવર ૨૧૫/૫, ગોવા ૧૨૫/૧૦

વેલડન સૌરાષ્ટ્રઃ સર્વિસીઝ, વિદર્ભ બાદ હવે ગોવાને પણ ધોબી પછડાટ આપી

અવિ બારોટે સટાસટી સદી ફટકારીઃ હવે કાલે એમ.પી. સામે લીગ મેચ

રાજકોટ, તા.૧૬: રણજી ચેમ્પિયન સૌરાષ્ટ્રનો જલવો સૈયદ મુશ્તાક અલી ટી-૨૦ ટ્રોફીમાં પણ શાનદાર રીતે જોવા મળી રહ્યો છે અને ત્રણેય મેચમાં જીત હાંસલ કરીને સૌરાષ્ટ્રના સિંહોએ પોતાની તાકાતનો પરચો બતાવી દીધો છે. ઈન્દોરમાં રમાઈ રહેલા લીગ મેચમાં સર્વિસીઝ, વિદર્ભને હરાવ્યા બાદ હવે સૌરાષ્ટ્રે ગોવાને પણ ૯૦ રને હરાવી દઈ પોતાની વિજયકૂચ યથાવત રહી છે. આ મેચમાં સૌરાષ્ટ્ર વતી અવિ બારોટે શાનદાર સદી બનાવી હતી તો બોલિંગમાં કેપ્ટન જયદેવ ઉનડકટ ઉપરાંત ચિરાગ જાનીએ વેધક બોલિંગ ફેંકીને ગોવાના બેટસમેનોને બાંધી રાખ્યા હતા.

 આ મેચમાં ટોસ જીતી ગોવાએ પ્રથમ ફિલ્ડિંગ લેતા સૌરાષ્ટ્રે પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારિત ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૨૧૫ રનનો જંગી જુમલો ખડકી દીધો હતો. સૌરાષ્ટ્ર વતી હાર્વિક દેસાઈએ ૧૨ બોલમાં ૬ રન બનાવ્યા હતા. આ ઉપરાંત અવિ બારોટે ૫૩ બોલમાં ૧૧ ચોગ્ગા અને ૭ છગ્ગાની મદદથી ૧૨૨ રન, સમર્થન વ્યાસે ૩ છગ્ગા અને ૨ ચોગ્ગાની મદદથી ૨૯ બોલમાં ૪૧ રન, પ્રેરક માંકડે ૧૨ બોલમાં ૨૦ રન અને પાર્થ ચૌહાણે ૯ બોલમાં ૧૩ રન તો ચિરાગ જાનીએ પાંચ બોલમાં અણનમ ૯ રન બનાવતાં સૌરાષ્ટ્ર ૨૧૫ રન સુધી પહોંચવામાં સફળ થયું હતું. બોલિંગમાં ગોવા વતી અશોક ડિંડાએ ૨ અને લક્ષ્ય ગર્ગે એક વિકેટ મેળવી હતી.

 સૌરાષ્ટ્રે આપેલા ૨૧૬ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગોવાની ટીમ ૧૮.૪ ઓવરમાં ૧૨૫ રનમાં જ ખખડી જવા પામી હતી. ગોવા વતી સૌથી વધુ એકનાથ કેરકરે ૩૨ રન બનાવ્યા હતા. આ સિવાય તેના એક પણ બેટસમેન લાંબો સમય સુધી સૌરાષ્ટ્રના બોલિંગ એટેકને ઝીલી શક્યો નહોતા અને સમયાંતરે વિકેટ આપતા રહ્યા હતા. બોલિંગમાં સૌરાષ્ટ્ર વતી જયદેવ ઉનડકટે ૩, ચિરાગ જાનીએ ૩, ચેતન સાકરિયાએ બે અને ધર્મેન્દ્રસિંહ જાડેજા-પ્રેરક માંકડે એક-એક વિકેટ ઝડપી હતી.

 હવે આવતીકાલે સૌરાષ્ટ્ર મધ્યપ્રદેશ સામે પોતાનો ચોથો લીગ મેચ રમવા બપોરે ૧૨ વાગ્યે મેદાને ઉતરશે.

(4:31 pm IST)