Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

કાલે ખંઢેરીના મેદાનમાં મહા મુકાબલો

ટીમ ઈન્ડિયા બદલો લેવા તૈયાર : રોહિત ગતરાત્રે અને વિરાટ - કોહલી બપોરે આવી પહોંચ્યાઃ ડે એન્ડ નાઈટ જંગ હોય ક્રિકેટ પ્રેમીઓને જલ્સા પડી જશે : ચોગ્ગા - છગ્ગાની રમઝટ જામશે

રાજકોટ, તા. ૧૬ : ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વન-ડે સીરીઝનો પ્રથમ મેચ હારતા ટીમ ઈન્ડિયા હવે આવતીકાલે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં વળતો પ્રહાર કરવા સજ્જ બની મેદાનમાં ઉતરશે.

ગઈકાલે ઓસ્ટ્રેલિયાની આખી ટીમ જયારે ટીમ ઈન્ડિયા, રોહિત, કોહલી અને શાસ્ત્રી વિના બપોરે રાજકોટ આવી પહોંચેલ. ઓસ્ટ્રેલિયન ટીમને ઈમ્પીરીયલ પેલેસ જયારે ટીમ ઈન્ડિયાને સૈયાજી હોટેલમાં ઉતારવામાં આવી છે. રોહિત ગઈકાલે મોડી રાત્રે આવી ગયેલ જયારે કેપ્ટન કોહલી અને કોચ રવિ શાસ્ત્રી આજે ગુરૂવારે ટીમની સાથે જોડાયા હતા.

મુંબઈમાં બેટીંગ અને બોલીંગના ખરાબ પ્રદર્શન બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ ગઈકાલે આરામ કર્યા બાદ આજે સઘન નેટ પ્રેકટીસ કરી હતી. કડકડતી ૮ ડિગ્રી જેવી ઠંડીમાં પરસેવો પાડ્યો હતો. બોલીંગ અને બેટીંગમાં જ મોટાભાગનો સમય પ્રેકટીસ કરી હતી.

મુંબઈના મેચમાં બેટ્સમેનો અને બોલરોના ખરાબ પ્રદર્શન બાદ વિરાટ સેના સિરીઝ સરભર કરવા સજ્જ છે. જો ૧૭મીના મેચમાં પરાજય મળશે તો સિરીઝ ગુમાવવી પડશે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમોનું રાજકોટમાં આગમન થઈ ચૂકયુ છે. ઓસ્ટ્રેલિયાની ટીમ સવારે અને ભારતની ટીમ બપોરે નેટ પ્રેકટીસ કરી હતી.

ઓસ્ટ્રેલિયાની મજબૂત ટીમે ભારતીય ટીમને પ્રથમ મેચમાં બેટીંગ, બોલીંગ સહિત તમામ પાર્ટમાં પછાડી દીધુ હતું. ૨૫૫ રનનો ટાર્ગેટ પણ વિનામૂલ્યે હાંસલ કરી લીધો હતો. ઓપનર ફીન્ચ અને વોર્નરે શાનદાર સદીઓ ફટકારી હતી. તમામ ક્ષેત્રોમાં ભારતીય ટીમ નિષ્ફળ ગઇ હતી.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના મેચને લઈ ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ ટિકીટો વહેંચાઈ ગઈ છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના સ્ટેડિયમમાં તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઇ છે. લાંબા સમય બાદ ડે એન્ડ નાઈટ મેચ રમાઈ રહ્યો હોય ક્રિકેટ પ્રેમીઓને જલ્સા પડી જશે.

ખંઢેરીની પીચ હંમેશા બેટ્સમેનોને અનુકુળ આવતી હોય છે. તેવામાં ટીપીકલ ભારતીય પીચ ઉપર ચોકા - છગ્ગાનો વરસાદ કાલે ભર શિયાળે વરસે તેવી ક્રિકેટ પ્રેમીઓ આશા સેવી રહ્યા છે.(૩૭.૮)

(11:30 am IST)