Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

આઇપીએલનો તાજ કોના શીરે ?: સાંજે કેપ્ટન ફુલ અને મોર્ગન આમને સામને

ચેન્નાઇ ચોથી વખત ટ્રોફી જીતશે કે કોલકતા બાજી મારી જશેઃ આજે દશેરાએ માહીની આક્રમક ઇનીંગ નિહાળવા ક્રિકેટપ્રેમીઓને ઇંતજાર

દુબઈઃ મહેન્દ્ર સિંહ ધોનીની જાદૂઈ કેપ્ટનશિપ ચેન્નઈ સુપર કિંગ્સનું રક્ષા કવચ સાબિત થશે જ્યારે  આઇપીએલ ફાઇનલમાં તેનો સામનો સ્પિન ત્રિપુટીના દમ પર ફાઇનલમાં પહોંચેલી કોલકત્તા નાઇટરાઇડર્સ સામે થશે. વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓને આજે દશેરાના દિવસ કેપ્ટન કૂલની આક્રમક ઈનિંગનો ઇંતજાર રહેશે જે પીળી જર્સીમાં લગભગ છેલ્લીવાર જોવા મળી શકે છે.

 આંકડાની વાત કરીએ તો ચેન્નઈ ૧૨ સીઝનમાં નવ વખત ફાઇનલમાં પહોંચી છે, જે બે સીઝન માટે બહાર હતી. ચેન્નઈ ત્રણ ટાઇટલ જીતી ચુકી છે અને પાંચ વખત ફાઇનલમાં હારી જ્યારે કેકેઆરે બંને ટાઇટલ ગૌતમ ગંભીરની આગેવાનીમાં જીત્યા છે. ફાઇનલ સુધી પહોંચવાની કળા ચેન્નઈથી વધુ સારી કોઈ ટીમ જાણતી નથી. બીજીતરફ કેકેઆરે છેલ્લે ૨૦૧૪માં ટાઇટલ જીત્યું હતું.

કેકેઆરની સ્પિન ત્રિપુટી વરૂણ ચક્રવર્તી, શાકિબ-અલ-હસન અને સુનીલ નારાયણ  ટૂર્નામેન્ટમાં સાતથી ઓછી એવરેજથી પ્રતિ ઓવર રન આપ્યા છે. આંદ્રે રસેલ હેમસ્ટ્રિંગની ઈજાને કારણે બહાર થવાથી શાકિબના ઓલરાઉન્ડર પ્રદર્શને કેકેઆરને સંતુલન આપ્યું છે. 

 આઈપીએલને ધોનીથી સારી રીતે કોઈ સમજી શક્યું નથી. આજ કારણ છે કે તેની ટીમ સતત સારૂ પ્રદર્શન કરતી રહી છે. પાછલા વર્ષે લીગ રાઉન્ડમાં બહાર થયા બાદ ચેન્નઈએ શાનદાર વાપસી કરી આ વખતે ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની હતી. ચેન્નઈની પાસે અનુભવની કમી નથી. ધોની ૪૦ પાર કરી ચુક્યો છે જ્યારે ડ્વેન બ્રાવો ૩૮, ફાફ ડુ પ્લેસિસ ૩૭, અંબાતી રાયડૂ અને રોબિન ઉથપ્પા ૩૬ વર્ષના છે. મોઇન અલી અને રવિન્દ્ર જાડેજા પણ ૩૦ પાર છે.

ખેલાડીઓ પાસેથી કંઇ રીતે કામ લેવુ તેની ધોનીને મહારત હાસિલ છે.  રૈનાએ પણ બહાર બેસવુ પડ્યુ. વધારેલા વજન અને ખરાબ ફોર્મમાં રહેલા રૈનાની જગ્યા ઉથપ્પાએ લીધી અને દિલ્હી વિરુદ્ધ ટીમની જીતનો સૂત્રધાર રહ્યો.

કોલકત્તા નાઇટ રાઇડર્સઃ શુભમન ગિલ, વેંકટેશ અય્યર, રાહુલ ત્રિપાઠી, નીતિશ રાણા, દિનેશ કાર્તિક, ઇયોન મોર્ગન, શાકિબ-અલ-હસન/આંદ્રે રસેલ, સુનીલ નારાયણ, લોકી ફર્ગ્યુસન, શિવમ માવી, વરૂણ ચક્રવર્તી.

 ચેન્નઈ સુપર કિંગ્સઃ ફાફ ડુ પ્લેસિસ, રુતુરાજ ગાયકવાડ, રોબિન ઉથપ્પા, મોઇન અલી, અંબાતી રાયડુ, એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, દિપક ચાહર, શાર્દુલ ઠાકુર, જોશ હેઝલવુડ.

(1:12 pm IST)