Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

આઈસીસી રેંકિંગ : કોહલી પ્રથમ ક્રમ પર અકબંધ રહ્યો

પૃથ્વી શો અને પંતની રેંકિંગમાં લાંબી છલાંગ :વિન્ડિઝ સામેની બંને ટેસ્ટ મેચોમાં જોરદાર દેખાવ કરનાર પૃથ્વી શો રેંકિંગમાં ૬૦માં સ્થાને પહોંચી ગયો છે : રિપોર્ટ

નવીદિલ્હી, તા. ૧૫ : ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આઈસીસી નવી વર્લ્ડ રેંકિંગમાં નંબર વન ટેસ્ટ બેટ્સમેન તરીકે અકબંધ રહ્યો છે જ્યારે પૃથ્વી શો અને ઋષભ પંતે પણ વેસ્ટઇન્ડિઝની સામે શ્રેણી પૂર્ણ થયા બાદ જારી કરાયેલી રેંકિંગમાં મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. આ વર્ષે અન્ડર ૧૯ વર્લ્ડકપમાં ભારતની ટ્રોફી જીતમાં ટીમનું નેતૃત્વ કરનાર પૃથ્વી શોએ ટેસ્ટ ક્રિકેટમાં પણ જોરદાર એન્ટ્રી કરી છે. હૈદરાબાદ ટેસ્ટમાં પૃથ્વી શોએ પ્રથમ ઇનિંગ્સમાં ૭૦ અને બીજી ઇનિંગ્સમાં અણનમ ૩૩ રન બનાવ્યા હતા. પ્રથમ ટેસ્ટ મેચમાં તે સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. પૃથ્વી શો પહેલી ટેસ્ટ મેચમાં સદી કરીને તમામ ચાહકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યો હતો. બીજી બાજુ વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે ૯૨ રનની ઇનિંગ્સ રમીને ૩૩ સ્થાનની છલાંગ લગાવી દીધી છે. તે હવે ૬૨માં સ્થાન ઉપર છે. દિલ્હીના આ ક્રિકેટરે ટેસ્ટ શ્રેણી શરૂ થાય તે પહેલા ચર્ચા જગાવી હતી અને રેંકિંગમાં ૧૧૧માં સ્થાને હતો. રાજકોટ ટેસ્ટમાં ૯૨ રન બનાવ્યા હતા. રહાણે પણ ૮૦ રનની ઇનિંગ્સ રમીને પોતાની રેંકિંગમાં સુધારો કરી શક્યો છે. બોલિંગમાં ઉમેસ યાદવે સ્થિતિ સુધારી છે. બોલિંગ રેંકિંગમાં તે ૨૫માં સ્થાને પહોંચ્યો છે. હૈદરાબાદ ટેસ્ટ મેચમાં તે ૧૦ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. એક ટેસ્ટ મેચમાં ૧૦ વિકેટ લેનાર તે ત્રીજો બોલર બની ગયો છે. તેની રેંકિંગમાં પણ સુધારો થયો છે.

વેસ્ટઇન્ડિઝ તરફથી કેપ્ટન હોલ્ડરે તમામ વિભાગોમાં જોરદાર પ્રગતિ કરી છે. ભારતની પ્રથમ ઇનિંગ્સમાં ૫૬ રન આપીને પાંચ વિકેટ લેવાથી તે બોલિંગ રેંકિંગમાં ચાર સ્થાનનો જંપ કરીને ૯માં સ્થાને પહોંચી ગયો છે. બેટિંગમાં અડધી સદી ફટકારીને તે ૫૩માં સ્થાને પહોંચી ગયો છે. ઓલરાઉન્ડરોની યાદીમાં હોલ્ડર દક્ષિણ આફ્રિકાના ફિલાન્ડરની જગ્યાએ ત્રીજા સ્થાને પહોંચ્યો છે. વેસ્ટઇન્ડિઝ તરફથી સદી ફટકારનાર રોસ્ટન ચેજ ૩૧માં સ્થાને પહોંચી ગયો છે.

(8:07 pm IST)