Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

વર્લ્ડ જુનિયર શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભારતને મળ્યા વધુ બે ગોલ્ડ

નવી દિલ્હી:વર્લ્ડ જુનિયર શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય શૂટરોએ શાનદાર દેખાવ કરતાં વધુ બે ગોલ્ડ મેડલ જીતી લીધા હતા. આજે યોજાયેલી મેન્સ ૨૫ મીટર પિસ્તોલ ઈવેન્ટમાં ભારતના ઉદયવીર સિંઘે શાનદાર દેખાવ કરતાં વ્યક્તિગત ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. ઉદયના શાનદાર દેખાવ તેમજ તેની સાથે વિજયવીર સંધુ અને રાજકંવર સિંઘ સંધુની અસરકારક નિશાનેબાજીને સહારે ભારતને ટીમ ઈવેન્ટમાં પણ ગોલ્ડ મેડલ મળ્યો હતો.  જોકે સિનિયર લેવલના શૂટરોનો નિરાશાજનક દેખાવ જારી રહ્યો હતો અને તેઓ આજની ઈવેન્ટમાં એક પણ મેડલ જીતી શક્યા નહતા.૧૬ વર્ષના ઉદયવીર સિંઘે વ્યક્તિગત સ્પર્ધામાં ૫૮૭નો સ્કોર કરતાં ગોલ્ડન સફળતા હાંસલ કરી હત. ઉદયવીરે પ્રીસિઝનમાં ૨૯૧નો સ્કોર કર્યો હતો. જ્યારે તેણે રેપિડ ઈવેન્ટમાં ૨૯૬ પોઈન્ટ્સ નોંધાવ્યા હતા. આ સાથે ભારતીય શૂટરે ત્રણ પોઈન્ટના અંતરથી અમેરિકાના હેનરી લેવેરેટ્ટને હરાવીને ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો હતો. જ્યારે સાઉથ કોરિયાના લી જેકયૂનને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડયો હતો. લી જેકયૂને ૫૮૨ પોઈન્ટ્સ સાથે બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. 

(5:52 pm IST)