Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

બીસીસીઆઈને ૨૦૨૦-૨૦૨૧ના ક્રિકેટ શેડયુઅલમાં ધરખમ ફેરફારો કરવા પડશે

નેશનલ કેમ્પ હવે બેંગ્લોરમાં ઓગષ્ટમાં યોજાવાની શકયતાઃ ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલીયામાં સિરીઝઃ આઈપીએલ અંગે હજુ નિર્ણય લેવાયો નથી

નવી દિલ્હી, તા. ૧૫ : બીસીસીઆઈ જુલાઈના મધ્યમાં સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ધરાવતા ક્રિકેટરો માટે નેશનલ કેમ્પનું આયોજન કરવાનું હતું, જોકે લોકડાઉન વધતા અને ફ્લાઈટ ટ્રાવેલ તથા હોસ્પિટાલિટીની ચિંતા વચ્ચે બીસીસીઆઈને તેનો પ્લાન પાછળ કરવો પડ્યો. બોર્ડના પ્લાન વિશે જાણકાર વ્યક્તિએ જણાવ્યું હતું કે, ધ્યાન રાખો કે, બીસીસીઆઈ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની મંજૂરી વિના કશું ન કરી શકે.

હવે ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં બેંગલોરમાં જ્યાં નેશનલ ક્રિકેટ એકેડમી આવી છે, ત્યાં સ્થિતિ સુધરે તેવી આશા કરાઈ રહી છે. આ ઉપરાંત પ્લાન બી તરીકે હિમાચલના ધર્મશાળામાં કેમ્પ લગાવી શકાય છે. જોકે ટ્રાવેલ અને સામાન પહોંચાડવાની સમસ્યા વચ્ચે આ પ્લાનને પણ હોલ્ડ પર રાખવામાં આવ્યો છે. સૂત્રએ જણાવ્યું કે, અન્ય એક બાબત ધ્યાનમાં લેવા જેવી છે કે જો  આઈપીએલ યોજાય છે તો ખેલાડીઓએ ટૂર્નામેન્ટના ૨૧ દિવસ પહેલા ફ્રેન્ચાઈઝીને રિપોર્ટ કરવાનું રહેશે. એવામાં સેન્ટ્રલ કેમ્પ માત્ર ઔપચારિકતા બની જાય છે.

બીસીસીઆઈ માટે કેમ્પને આગળ ખસેડવો તે જ માત્ર એક ચિંતા નથી. બોર્ડને મોટી આવક કરવતી આઈપીએલ આ વર્ષે યોજાવાની છે જેમાં સ્ટેડિયમમાં દર્શકો નહીં હોય. માત્ર ટીવી ઓડિયન્સ માટે યોજાનારી આ ટૂર્નામેન્ટથી ભારતની ઓસ્ટ્રેલિયા ટૂરને પણ અસર થશે.

સૂત્ર મુજબ, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જાહેર કરેલા હાલના શિડ્યૂલમાં ૩ ડિસેમ્બરથી ભારત સાથે પહેલી ટેસ્ટ શરૂ થવાની છે. ટેસ્ટ પહેલા ત્રણ ટી-૨૦ મેચોની એક સીરિઝ પણ રમાવાની છે. ટેસ્ટ બાદ ત્રણ વન-ડે મેચોની સીરિઝ છે. હવે ટી-૨૦ કે વન-ડે સીરિઝમાંથી કોઈ એકને કેન્સલ કરવી પડશે. ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-૨૦ વર્લ્ડકપને જોતા આ ટી-૨૦ સીરિઝનું આયોજન કરાયું હતું,

પરંતુ હવે વર્લ્ડકપનું આયોજન નથી થઈ રહ્યું, એવામાં ટી-૨૦ સીરિઝ રદ થવાની સંભાવના છે. ઉપરાંત ટેસ્ટ સીરિઝને પણ એક અઠવાડિયું પાછળ ખસેડી શકાય છે.

(2:52 pm IST)