Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

IPL -2018 કોલકાતા નાઈટ રાઈડર્સનો છ વિકેટે વિજય :રાજસ્થાન રોયલ્સ પ્લે ઑફ માંથી બહાર

રાજસ્થાને આપેલા 143 રનના ટાર્ગેટને બે ઓવર બાકી હતી ત્યારે જ હાંસલ કરી લીધો : સ્ટોક્સે ત્રણ વિકેટ ઝડપી

 

કોલકત્તાઃ આઈપીએલ 2018ની 49મી મેચમાં કોલકત્તા નાઇટ રાઈડર્સે રાજસ્થાન રોયલ્સને 6 વિકેટે હરાવ્યું છે  રાજસ્થાને આપેલા 143 રનના ટાર્ગેટને કોલકત્તાએ બે ઓવર બાકી હતી ત્યારે હાસિલ કરી લીધો હતો. કોલકત્તા તરફથી કેપ્ટન દિનેશ કાર્તિક 41 અને રસેલ 11 રન બનાવી અણનમ રહ્યાં હતા સુનીલ નરેન 21, ક્રિસ લિન 45, ઉથપ્પા 4 અને નીતિશ રાણાએ 21 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી સ્ટોક્સે ત્રણ વિકેટ ઝડપી હતી. આ જીત સાથે કોલક્તાના 14 અંક થઈ ગયા છે તેની પ્લેઓફમાં પહોંચવાની શક્યાતા વધી છે. જ્યારે રાજસ્થાન રોયલ્સ પ્લેઓફની દોડમાંથી લગભગ બહાર થઈ  છે. 

   આજે આ મેચમાં જોસ બટલર અને રાહુલ ત્રિપાઠીની જોડીએ રાજસ્થાનની ઈનિંગનો પ્રારંભ કર્યો. મેચની બીજી ઓવરમાં રાહુલ ત્રિપાઠીએ પ્રસિદ્ધ કૃષ્ણાની બોલિંગમાં 1 સિક્સ અને ત્રણ બાઉન્ટ્રી ફટકારી. ત્યારબાદ ત્રીજી ઓવર ફેંકવા આવેલા માવીના તમામ 6 બોલ પર બટલરે બાઉન્ટ્રી ફટકારી. આ ઓવરમાં બટલરે 4 ફોર અને બે સિક્સની મદદથી કુલ 28 રન ફટકાર્યા હતા અને રાજસ્થાનનો સ્કોર 3 ઓવરમાં 49 પર પહોંચાડી દીધો હતો. 

   ચોથી ઓવરમાં ટીમનો સ્કોર 50ને પાર કરી ગયો હતો. છઠ્ઠી ઓવરમાં રસેલે કોલકત્તાને પ્રથમ સફળતા અપાવી. ત્રિપાઠી 15 બોલમાં 27 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ કેપ્ટન રહાણે પણ 11 રન બનાવી કુલદીપનો શિકાર બન્યો હતો

    શાનદાર શરૂઆત બાદ બટલર પણ 39 રન બનાવી આઉટ થયો હતો. કુલદીપને બીજી સફળતા મળી હતી. સૈમસન પણ માત્ર 12 રન બનાવી સુનીલ નરેનનો શિકાર બન્યો. રાજસ્થાને 95 રનમાં પોતાની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ તમામ બેટ્સમેનો ફ્લોપ રહ્યાં હતા અને રાજસ્થાનની આખી ટીમ માત્ર 142 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

(11:52 pm IST)