Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

આઇપીએલ 2021 હરરાજીમાં સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર પણ જોડાશેઃ દમદાર પ્રદર્શન કરીને તેની દાવેદારી મજબુત કરી

અમદાવાદઃ ભારતના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરના દિકરા અર્જુન તેંડુલકરનું નામ IPLની હરાજીની યાદીમાં છે. શૉર્ટલિસ્ટ કરવામાં આવેલા 292 ખેલાડીઓમાં અર્જુન સામેલ છે. IPL 2021 માટે હરાજી 18 ફેબ્રુઆરીથી થવાની છે. ચાહકો આશા રાખી રહ્યા છે કે અર્જુનને મુંબઈ ઈન્ડિયન્સ ટીમ જ ખરીદે. આ પહેલા અર્જુને પોતાને સાબિત કરતા શાનદાર પ્રદર્શન કર્યું છે.

અર્જુનનું 'દમદાર' પ્રદર્શન

મુંબઈ ઈન્ડિયન્સના 73માં પોલીસ આમંત્રણ શીલ્ડ ક્રિકેટ ટૂર્નામેન્ટનો ગ્રુપ એનો મેચ હતો. બીજા તબક્કાના એ મેચમાં અર્જુન તેંડુલકરે 31 બૉલમાં નોટઆઉટ 77 રન બનાવ્યા અને 41 રન આપીને 3 વિકેટ લીધી. તેના પ્રદર્શનના કારણે એમઆઈજી ક્રિકેટ ક્લબે ઈસ્લામ જીમખાનાને 194 રનથી હરાવ્યું. આ ટૂર્નામેન્ટ કોરોનાના કારણે લાગેલા લૉકડાઉન બાદ આયોજિત થયેલી પહેલી ટૂર્નામેન્ટ છે. 21 વર્ષિય અર્જુને પોતાની શાનદાર પારી દરમિયાન પાંચ ચોકા અને આઠ છક્કા લગાવ્યા. તેમણે ઑફ સ્પિનર હાશિર દાફેદારના એક જ ઓવરમાં પાંચ સિક્સર મારી.

અર્જુને ટીમને અપાવી જીત

ટૉસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી એમઆઈજીએ 45 ઑવરમાં સાત વિકેટે 385 રનનો વિશાળ સ્કોર કર્યો હતો. જેના જવાબમાં ઈસ્લામ જિમખાનાની ટીમ 41.5 ઑવરમાં માત્ર 191 રન પર સમેટાઈ ગઈ. અંકુશ જયસ્વાલ(31 રન આપીને 3 વિકેટ) અને શ્રેયસ ગુરાવ(34 રન આપીને 3 વિકેટ) સાથે મળીને અર્જુને વિરોધી ટીમને તંબુ ભેગી કરી. અર્જુનના શાનદાર પ્રયાસની સાથે ઓપનિંગ બેટ્સમેન કેવિન ડીઅલમેડા (96) અને ચોથા નંબરના બેટ્સમેન પ્રગ્નેશ ખાંડિલેવાર(112)એ એમઆઈજીની જીતમાં મોટી ભૂમિકા ભજવી.

IPLમાં અર્જુનની દાવેદારી મજબૂત

અર્જુને હાલમાં સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં રમીને મુંબઈની સીનિયર ટીમમાં પદાર્પણ કર્યું હતું. જે બાદ તેણે 18 ફેબ્રુઆરીએ ચેન્નઈમાં થનારી આઈપીએલની હરાજી માટેના ખેલાડીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. તેમના આ પ્રદર્શનના કારણે તેની દાવેદારી મજબૂત માનવામાં આવી રહી છે. આ પહેલા અર્જુનને ભારતીય ટીમ માટે ખેલાડીઓને નેટમાં બૉલિંગ કરી હતી. સાથે જ શ્રીલંકાના પ્રવાસમાં ભારતની અંડર-19 ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

(5:07 pm IST)