Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ઓસ્ટ્રેલિયાનો જંગી જુમલો ૨૯૮/૯: ભારત ૧૧૧/૨

કાંગારૂઓએ ટોસ જીતી દાવ લીધો : શોન માર્શની શાનદાર સદી (૧૩૧ રન) : મેકસવેલના ઝડપી ૪૮ રન : ભુવીને ૪, શમી-૩, જાડેજાને ૧ વિકેટ : રોહિત ૪૩ અને ધવન ૩૨ રને આઉટ : વિરાટ - રાયડુ દાવમાં

ઓવલ : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલ વન-ડે સિરીઝના બીજા મેચમાં પણ પ્રથમ દાવ લઈ ઓસ્ટ્રેલિયાએ જંગી જુમલો ખડકી દીધો છે. શોન માર્શની શાનદાર સદીની મદદથી કાંગારૂઓએ ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૨૯૮ રનનો પહાડી જુમલો ખડકી દીધો છે. ટીમ ઈન્ડિયાએ પણ વળતો જવાબ આપી રહી છે.

ઓસ્ટ્રેલિયન કેપ્ટન ફિન્ચે ટોસ જીતી દાવ લીધો હતો. ઓપનર એલેકસ કેરી ૧૮, ફિન્ચ ૬, ખ્વાજા ૨૧, હેન્ડસકોમ્બ ૨૦, સ્ટોનિશ ૨૯ રને આઉટ થયા હતા. તો બીજી તરફ શોન માર્શે એક છેડો સાચવી રાખી માત્ર ૧૨૩ બોલમાં ૧૧ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી ૧૩૧ રન બનાવ્યા હતા. અંતિમ ઓવરોમાં મેકસવેલે પણ માત્ર ૩૭ બોલમાં ૫ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૪૮ રન બનાવ્યા હતા. તો લિયને માત્ર ૫ બોલમાં ૧ ચોગ્ગો અને ૧ છગ્ગાની મદદથી ૧૨ રન ઝુડી નાખ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ ૫૦ ઓવરમાં ૯ વિકેટના ભોગે ૨૯૮ રન બનાવ્યા હતા.

ટીમ ઈન્ડિયાના બોલરો ભુવનેશ્વર કુમારે ૪૫ ઓવરમાં ૪ વિકેટ, શમીએ ૫૮ રનમાં ૩ અને રવિન્દ્ર જાડેજાએ ૧ વિકેટ લીધી હતી. જયારે ચાઈનામેન કુલદીપ યાદવને સફળતા મળી ન હતી.

ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ પણ વળતો જવાબ આપ્યો હતો. પ્રથમ વિકેટ ૪૭ રને પડી હતી. રોહિત શર્મા ૪૩ અને ધવન ૩૨ રને આઉટ થયા હતા. આ લખાય છે ત્યારે ભારતે ૨૩ ઓવરમાં ૨ વિકેટે ૧૨૪ રન બનાવી લીધા છે.

(3:57 pm IST)