Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

ગંભીરનું વિસ્ફોટક નિવેદન, ભારતે ધોનીના કારણે વર્લ્ડ કપ નથી જીત્યો

યુવરાજ વગર ટીમ સેમીફાઇનલ કે ફાઇનલ સુધી પહોંચવાની શકયતા ન હતી

 નવીદિલ્હી,તા.૧૩, ટીમ ઈન્ડિયાને બે વર્લ્ડ કપ જીતાડનારા બેટ્સમેન ગૌતમ ગંભીરે નિવૃત્તિ લઈ ચૂક્યા છે. પોતાની નિવૃત્તિ બાદ આ ડાબોડી બેટ્સમેન સાથે ન્યૂઝ૧૮ હિન્દીએ ખાસ વાતચીત કરી, જેમાં તેઓએ અનેક મોટા નિવેદન આપ્યા. ગૌતમ ગંભીરે કહ્યું કે જીત ટીમના કારણે મળે છે ન કે કેપ્ટનના કારણે.

ગૌતમ ગંભીરે એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ભારતમાં કેપ્ટનને જીતનો શ્રેય મળવો એક ખતરનાક ટ્રેન્ડ છે. સૌરવ ગાંગુલી જ્યારે કેપ્ટન હતા, જ્યારે ધોની કેપ્ટન બન્યા અને હવે વિરાટ કોહલીના હાથમાં કેપ્ટન્સી છે, કોઈ પણ સીરીઝ જીત્યા બાદ કેપ્ટનને જીતનો શ્રેય આપવામાં આવે છે. જ્યારે તમે ટીમ સ્પોર્ટ રમતા હોય તો કેપ્ટન સારો ત્યારે હોય છે જ્યારે ટીમ સારી હોય. એકલા કેપ્ટન તમને કંઈક જીતાડી નથી શકતો.

ગંભીરે આગળ કહ્યું કે, એકલો કેપ્ટન જો તમો જીતાડી શકે તો આ દુનિયાના તમામ સારા કેપ્ટન બધું જીતી ચૂક્યા હોત. ટીમ ઈન્ડિયા સારી રમશે, કેપ્ટન પણ તેટલો સારો હશે. કેપ્ટનને બોલર, બેટ્સમેન અને ફિલ્ડિર ત્રણેય જોઈએ. આપણે ત્યાં જે કેપ્ટનને જીતનો શ્રેય આપવાનો ટ્રેન્ડ છે તો તે બદલવો જોઈએ.

ગૌતમ ગંભીરે કહ્યું કે, ૨૦૦૭ વર્લ્ડ ટી૨૦, ૨૦૧૧ વર્લ્ડ કપમાં સૌથી મોટા મેચ વિનર યુવરાજસિંહ હતા પરંતુ લોકો ધોનીને તમામ શ્રેય આપે છે કારણ કે તેઓ કેપ્ટન હતા.

ગંભીરે કહ્યું કે, ૨૦૧૧ વર્લ્ડ કપ અને ૨૦૦૭ ટી૨૦ વર્લ્ડ કપમાં યુવરાજસિંહથી વધુ યોગદાન કોઈ ખેલાડીનું નહોતું પરંતુ યુવરાજસિંહને પણ એટલો શ્રેય ન મળ્યો. તમામ શ્રેય ધોનીને આપી દેવામાં આવ્યો. મને લાગે છે કે યુવરાજ વગર ટીમ ઈન્ડિયા ક્યારેય સેમી ફાઇનલ કે ફાઇનલ સુધી ન પહોંચી શકતી. પરંતુ યુવરાજ વિશે કોઈ વાત નથી કરતું અને તે ખૂબ જ દુખદ છે.

(3:51 pm IST)