Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે કાલથી બીજા ટેસ્ટનો તખ્તો તૈયાર

પર્થમાં શરૂ થતી ટેસ્ટ રોમાંચક બનશે : ટીમ ઈન્ડિયા ફૂલ ફોર્મમાં : પાંચ ફાસ્ટ બોલરો મેદાનમાં ઉતારે તેવી શકયતા : રોહિત શર્માને પડતો મૂકાશે?

પર્થ,તા.૧૩ : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની બીજી ટેસ્ટ મેચ આવતીકાલથી પર્થ ખાતે શરૂ થઇ રહી છે. પર્થની વિકેટ ઝડપી બોલર માટે વધારે આદર્શ હોવાથી ભારતીય બેટ્સમેનોની આ વિકેટ પર આકરી કસોટી થઇ શકે છે. પ્રથમ ટેસ્ટ મેચ એડીલેડ ખાતે જીતી લીધા બાદ ભારતીય ખેલાડીઓનો નૈતિક જુસ્સો હવે આસમાન પર છે. પ્રથમ ટેસ્ટમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી તેમની ક્ષમતા મુજબ દેખાવ કરી શક્યા ન હતા. જેથી હવે આ બંને સ્ટાર ખેલાડીઓ પર નજર રહેશે. બંને ટીમોમાં અંતિમ ઇલેવનમાં ફેરફાર કરવામાં આવે તેવી વકી છે. એડિલેડ ઓવલ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ  જીતીને  પ્રવાસી ભારતીય ટીમે ઇતિહાસ સર્જયો હતો.

ભારતીય ટીમે ઇતિહાસ સર્જીને ઓસ્ટ્રેલિયા પર ૩૧ રને જીત મેળવી લીધી હતી. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે ૩૨૩ રનની જરૂર હતી. જો કે ઓસ્ટ્રેલિયાની ટીમ ૨૯૧ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. આની સાથે જ ભારતની જીત થઇ હતી. ભારતીય ટીમે હવે યજમાન ઓસ્ટ્રેલિયા પર ૧-૦ની લીડ ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં મેળવી લીધી છે.

ભારતીય ટીમમાં અનેક સ્ટાર ખેલાડી હોવા છતાં ઓસ્ટ્રેલિયાની વિકેટ પર તેમની કસોટી થશે. ઓસ્ટ્રેલિયા ઘરઆંગણે હોટફેવરીટ ખેલાડી તરીકે છે. ઇતિહાસ પર નજર કરવામાં આવે તો તે ફેવરીટ છે. જો કે ભારત માટે સારી બાબત એ છે કે ઓસ્ટ્રેલિયાના બે ધરખમ ખેલાડી સ્ટીવ સ્મીથ અને ડેવિડ વોર્નર પ્રતિબંધના કારણે હાલમાં ટીમની બહાર છે. ફિન્ચ અને ખ્વાજા પ્રથમ ટેસ્ટ મેચમાં નિષ્ફળ રહ્યા હતા. જો કે પર્થ ટેસ્ટ મેચમાં  ભારતને સાવધાન રહેવાની જરૂર પડશે. ભારતીય ટીમ પર્થની વિકેટ પર પાંચ ઝડપી બોલરની રણનિતી સાથે મેદાનમાં ઉતરનાર છે. જેમાં શામી, ઇશાંત શર્મા અને જશપ્રીત બુમરાહ ટીમમાં ઝડપી બોલિંગની જવાબદારી સંભાળનાર છે.

(3:50 pm IST)