Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનની બાંગ્લાદેશ વિરૂદ્ધની ટેસ્ટ મેચમાં સિદ્ધિઃ ૨પ૦મી ટેસ્ટ વિકેટ ઝડપનાર ખેલાડી બન્યો

ઈન્દોરઃ ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ગુરૂવારે બાંગ્લાદેશ વિરુદ્ધ ઈન્દોર ટેસ્ટ દરમિયાન એક ખાસ સિદ્ધિ મેળવી છે. તેણે બાંગ્લાદેશના કેપ્ટન મોમિનુલ હકને 37 રન પર બોલ્ડ કરતા મેચમાં પોતાની પ્રથમ વિકેટ ઝડપી, જ્યારે ભારતીય મેદાન પર આ તેની 250મી ટેસ્ટ વિકેટ હતી. આ સાથે તે અનિલ કુંબલે અને હરભજન સિંહની ક્લબમાં સામેલ થઈ ગયો છે.

            તે ભારતમાં 250 ટેસ્ટ વિકેટ ઝડપનાર ત્રીજો બોલર બની ગયો છે. તેની પહેલા કુંબલે અને હરભજન સિંહ આ મુકામ હાસિલ કરી શક્યા હતા. ભારતમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલરની વાત કરીએ તો કુંબલે સૌથી આગળ છે. ભારતના સૌથી સફળ ટેસ્ટ બોલર કુંબલેએ ઘરેલૂ મેદાન પર 63 ટેસ્ટ મેચોમાં 350 વિકેટ ઝડપી છે. હરભજન સિંહે 55 ટેસ્ટ મેચોમાં 265 વિકેટ લીધી છે.

               ભારત માટે સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલરોમાં અનિલ કુંબલેએ 619 અને કપિલ દેવે 434 વિકેટ લીધી છે. તો હરભજન સિંહના નામે 417 ટેસ્ટ વિકેટ છે. આ મેચ પહેલા અશ્વિનના નામે ભારતમાં રમેલી 41 ટેસ્ટ મેચોમાં 249 વિકેટ હતી. અશ્વિનના કરિયરની વાત કરીએ તો તેના નામે 69 ટેસ્ટ મેચોમાં 358 વિકેટ છે. તે ટેસ્ટમાં સૌથી ઝડપી 350 વિકેટ પૂરી કરનાર બોલર છે.

              ઉલ્લેખનીય છે કે ઈન્દોર ટેસ્ટમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. આ પહેલા ટી20 આંતરરાષ્ટ્રીય સિરીઝમાં ભારતે તેને 2-1થી પરાજય આપ્યો હતો.

(5:34 pm IST)