Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

બોલરોનું શાનદાર પ્રદર્શન : બાંગ્લાદેશનો ધબડકો : ૧૫૦માં ઓલઆઉટ

ભારત - બાંગ્લાદેશ ટેસ્ટ શરૂ : પ્રથમ દિવસે જ ટીમ ઈન્ડિયાનું જબરદસ્ત પ્રદર્શન : ઈશાંત - ૨, યાદવ - ૨, અશ્વિન -૨ અને શમીને ૩ વિકેટ

ઈન્દોર, તા. ૧૪ : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજથી બે ટેસ્ટ મેચોની સીરીઝનો પ્રારંભ થયો છે. ટી-૨૦ની જેમ ટેસ્ટના પ્રથમ દિવસે જ ભારતીય ટીમે પ્રભુત્વ બતાવ્યુ છે. બાંગ્લાદેશે ટોસ જીતી દાવ લેતા આખી ટીમ માત્ર ૧૫૦ રનમાં ઓલઆઉટ થઈ ગયુ છે.

બાંગ્લાદેશે ટોસ જીતી દાવ લેવાનો જુગાર કર્યો હતો પરંતુ તે મોટો જુમલો નોંધાવવામાં નિષ્ફળ રહ્યા હતા. મેચના પ્રારંભેથી જ ઈશાંત અને ઉમેશ યાદવ ત્રાટકયા હતા અને ઓપનરોને પેવેલીયન ભેગા કરી દીધા હતા. ઈસ્લામ-૬, કેયસ - ૬, હક્ક - ૩૭, મિથુન - ૧૩, રહીમ - ૪૩, મોહમ્મદુલ્લાહ - ૧૦, દાસ - ૨૧, હસન - ૦ અને તસ્લમ ૧ રને આઉટ થયા હતા. મેચના પ્રારંભથી જ ટીમ ઈન્ડિયાના બોલરોએ પોતાનું પ્રભુત્વ સાબિત કરી દીધુ હતું. ઈશાંત શર્મા - ૨, ઉમેશ યાદવ - ૨, મોહમ્મદ શમી - ૩ અને આર. અશ્વિને ૨ વિકેટ લીધી હતી.

આ લખાય છે ત્યારે ભારતનો દાવ શરૂ થયો છે. વિના વિકેટે ૫ રન બનાવી લીધા છે. ભારતીય ટીમ આ મુજબ છે. મયંક અગ્રવાલ, રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજીન્કીયા રહાણે, રવિન્દ્ર જાડેજા, સહા, આર. અશ્વિન, ઉમેશ યાદવ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી.

(4:44 pm IST)