Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

વર્લ્ડ બોકિસંગ ચેમ્પિયનશિપમાં મંજુ રાનીને સિલ્વર મેડલ : પ્રથમ ટુર્નામેન્ટ યાદગાર બની

૪૮ કિ.ગ્રા.માં ઈતિહાસ રચ્યો : રમત - ગમત મંત્રી કિરન રિજિજુએ શુભેચ્છા પાઠવી

રશિયા : ભારતીય મહિલા બોકસર મંજુ રાની માટે તેની પ્રથમ વિમેન્સ વર્લ્ડ બોકિસંગ ચેમ્પિયનશિપ યાદગાર બની રહી છે. મંજુ રાનીએ ૪૮ કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. ફાઇનલમાં તેનો રશિયાના એકટેરિના પાલ્ટકેવા સામે ૧-૪થી પરાજય થયો હતો. સેટ પ્રમાણે મંજુ ૨૯-૨૮, ૨૯-૨૮, ૨૯-૨૮, ૨૮-૨૯ અને ૨૯-૨૮થી હારી ગઈ હતી.

પ્રથમ રાઉન્ડમાં બન્ને બોકસર મજબૂત દેખાઈ રહી હતી અને આક્રમક મૂડમાં હતી. રશિયન ખેલાડી પ્રથમ ત્રણ મિનિટમાં પ્રભુત્વ મેળવવામાં સફળ રહી હતી. બીજા રાઉન્ડમાં ભારતીય બોકસરે કેટલાક દમદાર પંચ માર્યા હતા અને તેનું પલડું ભારે જોવા મળી રહ્યું હતું. જોકે અંતિમ ત્રણ મિનિટમાં બન્ને બોકસરે સાવચેતી દાખવી હતી, પરંતુ અંતે રશિયન બોકસરે આક્રમકતા દાખવીને મેચ અને ગોલ્ડ મેડલ બન્ને જીતી લીધાં હતાં.

રાની આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચનારી એકમાત્ર ભારતીય બોકસર હતી. ૬ વખતની ચેમ્પિયન એમસી મેરીકોમ (૫૧ કિલોગ્રામ), જામુના બોરો (૫૪ કિલોગ્રામ) અને લવલિના બોર્ગોહેઇન (૬૯ કિલોગ્રામ) સેમી ફાઇનલમાં હારી જતાં તેમને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ભારતે આ વર્લ્ડ બોકિસંગ ચેમ્પિયનશિપમાં કુલ ચાર મેડલ મેળવ્યા છે. મંજુની આ જીત બદલ ખેલપ્રધાન કિરેન રિજિજુએ તેને શુભેચ્છા આપી હતી.

(1:18 pm IST)