Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

ભારત - પાકિસ્તાનને એકજૂટ કરવા શોએબ મલિક સાથે લગ્ન કર્યા નથી : સાનિયા મિર્ઝા

લગ્નનો નિર્ણય વ્યકિતગત હતો બંને દેશના સબંધ માટે નહીં : સાસરિયામાં મારા સબંધીઓને હળુ-મળુ છું : ખુબ પ્રેમ મળે છે : એકવાર વર્ષમાં પાકિસ્તાન જાઉં છું : સાસરિયામાં મને ભાભી કહે છે

નવી દિલ્હી તા. ૧૪ : ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા માતા બનવાની છે ત્યારે તેણીએ કહ્યું કે મારા લગ્નનો ઉદ્દેશ ભારત અને પાકિસ્તાનને એકજૂટ કરવાનો ન હતો. ઘણા લોકો તેવું માને છે કે અમે બે દેશને એક કરવા માટે લગ્નના બંધનમાં બંધાયા, પરંતુ આ સત્ય નથી.

સાનિયા મિર્ઝા અને તેણીના પાકિસ્તાની ક્રિકેટર પતિ શોએબ મલિક પોતાના પ્રથમ બાળકની રાહ જોઈ રહ્યાં છે. સાનિયા જલ્દી પોતાના પ્રથમ સંતાનને જન્મ આપવાની છે. આ વચ્ચે એક મીડિયા સમૂહ સાથે વાતચીતમાં ટેનિસ સ્ટારે પોતાની જિંદગીના ઘણા મુદ્દા પર ચર્ચા કરી. તેણે કહ્યું કે, પાકિસ્તાની ક્રિકેટર સાથે લગ્નનો નિર્ણય તેનો વ્યકિતગત હતો અને આ ભારત-પાકિસ્તાનના સંબંધ માટે ન હતો.

સાનિયાએ કહ્યું, મારા લગ્ન કોઇ મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય ઘટના ન હતી. અમે બંન્નેએ આજીવન એક સાથે રહેવાનો નિર્ણય કર્યો અને લગ્ન કરી લીધા. સાનિયાએ એમ પણ કહ્યું કે તેને પાકિસ્તાનમાં ખૂબ પ્રેમ મળે છે. તેણે કહ્યું, હું વર્ષમાં એકવાર પાકિસ્તાન જરૂર જાવ છું અને સાસરિયામાં મારા સંબંધીઓને મળુ છું. ત્યાં મને બધા 'ભાભી' કહે છે અને ખૂબ પ્રેમ મળે છે.ઙ્ગ

માં બનવા અને બાળકના ભવિષ્યને લઈને પૂછાયેલા સવાલ પર સાનિયાએ કહ્યું, હું અને શોએબ આ દિવસોમાં ખૂબ ખુશ છીએ અને બાળકનું સ્વાસ્થ્ય ઈચ્છીએ છીએ. મારૂ બાળક ક્રિકેટર કે ટેનિસ સ્ટાર કે બીજુ કંઇપણ બનવા ઈચ્છે તો અમને કોઇ વાંધો નથી. જયાં સુધી મારો સવાલ છે તો હું ઈચ્છીશ તે ડોકટર બને પરંતુ આ નિર્ણય કરવાનો સમય જિંદગીમાં ખૂબ મોડો આવશે.(૨૧.૧૫)

 

(12:00 pm IST)