Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

વિમ્બલડનમાં સર્જાયો જબરો અપસેટ : અમેરિકાની સેરેના વિલિયમ્સને હરાવી જર્મનીની એન્જલિક કર્બર પ્રથમ વખત બની વિમ્બલડનમાં ચેમ્પિયન

જર્મનીની એન્જલિક કર્બર મહિલા સિંગલ્સની ફાઇનલમાં અમેરિકાની સેરેના વિલિયમ્સને હરાવી વિમ્બલડનમાં ચેમ્પિયન બની છે. કર્બરે સુપર મોમ સેરેના વિલિયમ્સને સીધા સેટોમાં 6-3, 6-3થી આસાનીથી હરાવી હતી. કર્બર પ્રથમ વખત વિમ્બલડન ગ્રાન્ડસ્લેમ જીતવા સફળ રહી છે. કર્બરનું આ ઓવરઓલ ત્રીજુ ગ્રાન્ડસ્લેમ છે. તેણે 2016માં યુએસ ઓપન અને ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યું હતું. કર્બર સ્ટેફી ગ્રાફ પછી વિમ્બલડન ટાઇટલ જીતનાર જર્મનીની પ્રથમ મહિલા ખેલાડી બની છે. ગ્રાફે 1996માં વિમ્બલડનનું ટાઇટલ જીત્યું હતું.

સેરેના વિલિયમ્સનો પરાજય થતા તે માર્ગારેટ કોર્ટના સૌથી વધારે 24 ગ્રાન્ડસ્લેમ ટાઇટલની બરાબરી કરી શકી ન હતી. કર્બર વિમ્બલડનની ફાઇનલમાં સેરેના વિલિયમ્સને હરાવનાર ત્રીજી ટેનિસ પ્લેયર બની છે. આ પહેલા ફક્ત મારિયા શારાપોવા અને વીનસ વિલિયમ્સ જ તેને હરાવી ચૂક્યા છે.

મેન્સ સિંગલ્સમાં સર્બિયાના નોવાક જોકોવિચે વિમ્બલડનની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. પાંચ સેટ સુધી ચાલેલી સંઘર્ષપૂર્ણ સેમિ ફાઇનલમાં જોકોવિચે નાદાલને 6-4, 3-6, 7-6 (11-9), 3-6, 10-8થી હરાવ્યો હતો. નાદાલ અને જોકોવિચની મેચ 5 કલાક અને 15 મિનિટ ચાલી હતી. ફાઇનલમાં જોકોવિચ દક્ષિણ આફ્રિકાના કેવિન એન્ડરસન સામે ટકરાશે. જે 97 વર્ષમાં ફાઇનલમાં પહોંચનાર દક્ષિણ આફ્રિકાનો પ્રથમ ખેલાડી છે.

(2:07 am IST)