Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

૧૮ વર્ષની હિમાએ તોડયો પીટી ઉષા અને મિલ્ખા સિંહનો રેકોર્ડ

આઇએએસએફ વર્લ્ડ અંડર ૨૦ એથલેટિકસ ચેમ્પિયનશિપની મહિલા ૪૦૦ મીટર ફાઇનલમાં ખિતાબ સાથે વિશ્વ સ્તરે ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા એથ્લીક બની

ટેમ્પેયર (ફિનલેંડ) તા. ૧૪ : ભારતની હિમા દાસે અહીં ઇતિહાસ રચ્યો જયારે તે આઇએએએફ વર્લ્ડ અંડર ૨૦ એથલેટિકસ ચેમ્પિયનશિપની મહિલા ૪૦૦ મીટર ફાઇનલમાં ખિતાબ સાથે વિશ્વ સ્તરે ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા એથલીટ બની. ખિતાબની પ્રબળ દાવેદાર ૧૮ વર્ષની હિમા દાસે ૫૧.૪૬ સેકેંડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો, ત્યારબાદ ભારતીયોએ જોરદાર ઉજવણી કરી. જોકે તે ૫૧.૧૩ સેકેંડના પોતાના અંગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શનથી પાછળ હતી.

હિમા દાસે પહેલાં ભારતની કોઇપણ મહિલાએ વર્લ્ડ ચેમ્પિયનશિપના કોઇપણ સ્તર પર ગોલ્ડ મેડલ જીત્યો નથી. તે વિશ્વ સ્તરે ટ્રેક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે. ચોથા નંબરની લેનમાં દોડી રહેલી દાસ અંતિમ તબક્કા બાદ રોમાનિયાની આંદ્રિયા મિકલોસથી પાછળ પડી રહી હતી, પરંતુ અંતમાં ગતિ રાખતાં તે બાકીના રનરો કરતાં આગળ નિકળી ગઇ.

મિકલોસે ૫૨.૦૭ સેકેંડ સાથે રજત પદક પ્રાપ્ત કર્યો. જયારે અમેરિકાની ટેલર મેનસને ૫૨.૨૮ સેકેંડ સાથે કાંસ્ય પદક જીત્યો. અસમની હિમા દાસે દોડ બાદ કહ્યું, 'વર્લ્ડ જૂનિયર ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને ખૂબ ખુશ છું. હું સ્વદેશમાં બધા ભારતીયોનો આભાર વ્યકત કરવા માંગુ છું અને તેમને પણ જે મારો આત્મવિશ્વાસ વધારી રહ્યા હતા.'

તે ભાલા ફેંકના સ્ટાર ખેલાડી નીરજ ચોપડાની યાદીમાં સામેલ થઇ ગઇ છે. જેમણે ૨૦૧૬માં ગત પ્રતિયોગિતામાં વર્લ્ડ રેકોર્ડ પ્રયાસ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. વર્લ્ડ જૂનિયર ચેમ્પિયનશિપમાં ભારત માટે આ પહેલાં સીમા પૂનિયા (૨૦૦૨માં ચક્કા ફેંકમાં કાંસ્ય) અને નવજીત કૌર ઢિલ્લો (૨૦૧૪માં ચક્કા ફેંકમાં કાંસ્ય) પદક જીતી ચૂકી છે.

હિમા હાલમાં અંડર ૨૦ સત્રમાં સર્વશ્રેષ્ઠ સમય કાઢવા બદલ અહીં ખિતાબની પ્રબળ દાવેદાર હતી. તે એપ્રિલમાં ગોલ્ડ કોસ્ટમાં યોજાયેલી રાષ્ટ્રમંડળ રમતોની ૪૦૦ મીટર સ્પર્ધામાં તત્કાલિન ભારતીય અંડર ૨૦ રેકોર્ડના સમયની સાથે છઠ્ઠા સ્થાન પર રહી હતી. ત્યારબાદ ગુવાહાટીમાં તાજેતરમાં રાષ્ટ્રીય અંતર રાજય ચેમ્પિયનશિપમાં તેમણે ૫૧.૧૩ સેકેંડ સાથે પોતાના આ રેકોર્ડમાં સુધારો કર્યો. ભારતીય એથલેટિકસ મહાસંઘના અધ્યક્ષ આદિલે સુમારિવાલાએ હિમા દાસને ગોલ્ડ મેડલ જીતવા બદલ શુભેચ્છા પાઠવી. (૨૧.૯)

(11:50 am IST)