Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

૧૩ વર્ષમાં ભારતીય ક્રિકેટ ટીમે વિદેશની ધરતી ઉપર માત્ર ૧૩ ટેસ્ટ મેચ જીતી હતી જયારે વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમે ૬ વર્ષમાં ૧પ મેચ જીતી

નવી દિલ્હીઃ ભારતીય ટીમે પહેલી ટેસ્ટ મેચ 89 વર્ષ પહેલાં એટલે કે 1932માં લોર્ડ્સના મેદાન પર ઈંગ્લેન્ડ સામે રમી હતી. ભારતીય ટીમે 1970ના દાયકામાં મોટી ટીમ સામે ટેસ્ટ સિરીઝ જીતવાની શરૂ કરી દીધી હતી. પરંતુ વિદેશમાં તેનું પ્રદર્શન અત્યંત ખરાબ હતું. 1983ના વન-ડે વર્લ્ડકપ જીતવા છતાં 67 વર્ષોમાં ભારતીય ટીમનો વિદેશી પીચ પર ટેસ્ટ રેકોર્ડ અત્યંત ખરાબ હતો. ટીમ ઈન્ડિયાએ 1932થી 1999 સુધી વિદેશી ધરતી પર માત્ર 13 ટેસ્ટ મેચ જીતી હતી. આ દરમિયાન ભારતે વિદેશમાં 155 ટેસ્ટ મેચ રમી હતી. હવે વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ છે.

સૌરવ ગાંગુલીના નેતૃત્વમાં ટીમનો ડંકો વાગ્યો:
સૌરવ ગાંગુલીએ ટીમ ઈન્ડિયાની કમાન સંભાળતાં જ વિદેશમાં પણ ભારતીય ટીમ જીતવા લાગી. ભારતે વિદેશી ધરતી પર અત્યાર સુધી 53 ટેસ્ટ મેચ જ જીતી છે. જેમાંથી 40 ટેસ્ટ વર્ષ 2000 પછી જીતી છે. કોહલીની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ વિદેશમાં વધારે સફળ રહી છે. કોહલી વર્ષ 2014ના અંતમાં ઓસ્ટ્રેલિયાઈ પ્રવાસ પર ભારતીય ટીમનો કેપ્ટન બન્યો હતો. વર્ષ 2015થી ભારતીય ટીમે વિદેશી પીચ પર 32માંથી 15 ટેસ્ટ મેચ જીતી છે. કોહલીની ટીમ શ્રીલંકામાં પાંચ, વેસ્ટ ઈન્ડિઝમાં ચાર, ઓસ્ટ્રેલિયામાં ચાર, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકામાં 1-1 ટેસ્ટ જીતવામાં સફળ રહી છે.

ક્યારે કેટલી ટેસ્ટ મેચ ભારત રમ્યું:
ભારતે 1932થી 1999 સુધી 330 ટેસ્ટ મેચ રમી હતી. તેમાં ભારત 109 ટેસ્ટ મેચ હાર્યું અને માત્ર 61 ટેસ્ટ મેચ જીતવામાં સફળ રહી. પરંતુ વર્ષ 2000થી ભારતીય ટીમે જીતનો મંત્ર બનાવી લીધો. આ દરમિયાન સૌરવ ગાંગુલી, મહેન્દ્ર સિંહ ધોની, રાહુલ દ્રવિડ, અનિલ કુંબલે અને વિરાટ કોહલી ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન રહ્યા છે. વર્ષ 2000થી ભારત 220 ટેસ્ટ મેચમાં 101 જીતી, જ્યારે 60 મેચમાં હારનો સામનો કરવો પડ્યો.

20 વર્ષમાં કોહલી સફળ કેપ્ટન:
છેલ્લાં 20 વર્ષોમાં વિરાટ કોહલી સૌથી વધારે સફળ રહી. વર્ષ 2015માં ભારતે 64 ટેસ્ટ મેચ રમી અને તેમાં 40માં જીત મળી છે. ભારતને માત્ર 13 ટેસ્ટ મેચમાં હાર મળી છે. જયારે 11 ટેસ્ટ મેચ ડ્રો રહી. આ દરમિયાન ભારતે 62.5 ટકા મેચ જીતી. વિરાટ કોહલી ભારતના સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન પણ છે. તેની કેપ્ટનશીપમાં ભારતે 60 ટેસ્ટ મેચમાં 36 મેચ જીતી છે. જ્યારે માત્ર 14 મેચ હારી છે.

ધોની-કોહલીએ 60 ટેસ્ટમાં કેપ્ટનશીપ કરી:
ધોની અને કોહલી બંનેએ ભારત માટે 60-60 મેચમાં કેપ્ટનશીપ કરી છે. ધોનીના નેતૃત્વમાં ભારત 27 ટેસ્ટ જીતવામાં સફળ રહી છે. ધોની પછી સૌથી સફળ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી રહ્યો. જેની કેપ્ટનશીપમાં 49 ટેસ્ટ મેચમાં ભારતને 21મી વાર જીત અપાવી.

(6:08 pm IST)