Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

ફીફા વર્લ્ડકપમાં પ્રથમ મેચ રશિયાની ટીમ જીતશેઃ એચિલેસ નામની બિલાડીની ભવિષ્‍યવાણી કેટલી સાચી સાબિત થાય છે તેના ઉપર સૌની નજર

સેન્ટ પીટર્સબર્ગઃ ફીફા વર્લ્ડકપનો આજથી પ્રારંભ થયો છે ત્યારે બિલાડીએ આજની પ્રથમ મેચમાં રશિયાનો વિજય થશે તેવી ભવિષ્‍યવાણી કરી છે.

રશિયાના હેરિટેજ મ્યુઝિયમમાં હાજર એચિલેસ નામની બિલાડીએ ગુરુવારથી શરૂ થઈ રહેલા ફિફા વિશ્વ કપની પહેલી મેચના વિજેતાની જાહેરાત કરી દીધી છે. 21માં ફિફિ વિશ્વ કપની પહેલી મેચ મોસ્કોના લુન્ઝિકી સ્ટેડિયમમાં મેજબાન રશિયા અને સાઉદી અરબ વચ્ચે રમાવવાની છે. ઓલ્ડ ઈમ્પિરિયલ સારિસ્ટ કેપિટલના પ્રેસ સેન્ટરમાં રાખવામાં આવેલી બે કટોરીઓમાંથી આ બિલાડીએ એક કટોરીને પસંદ કરી જેમાં રશિયાની ચીઠ્ઠી હતી. ત્યારબાદ આ બિલાડીને રશિયાની ટીમનું લાલ સ્વેટર સોંપવામાં આવ્યું અને પછી તેના માલિક એના કાસાટકિનાને સોંપી દેવાઈ. આ રીતે બિલાડીએ મેજબાન રશિયાની જીતની ભવિષ્યવાણી કરી છે.

આવું પહેલીવાર નથી બન્યું કે કોઈ જાનવરે ફિફા વિશ્વ કપમાં જીતની ભવિષ્યવાણી કરી હોય. આ અગાઉ ઓક્ટોપસ પોલે ફિફા વિશ્વ કપને લઈને ભવિષ્યવાણી  કરી હતી. જે મોટાભાગે સફળ રહી હતી. હવે જોવાનું એ રહેશે કે એચિલેસ નામની આ બિલાડીની ભવિષ્યવાણી કેટલી સાબિત થાય છે.

જો ફિફા રેકિંગની વાત કરીએ તો તેમાં રશિયા અને સાઉદી અરબ ક્રમશ 70માં અને 67માં સ્થાને છે. આ બે ટીમો વચ્ચે મુકાબલો રોમાંચક રહેવાની આશા છે. બંને ટીમો ખિતાબ જીતવા માટે દાવેદાર તો નથી મનાતી પરંતુ રશિયા પોતાના સમર્થકોની હાજરીમાં ટુર્નામેન્ટની સકારાત્મક શરૂઆત કરવા આતુર છે.

છેલ્લા બે વર્ષોમાં રશિયાનું પ્રદર્શન ખુબ ખરાબ રહ્યું છે. 2016 યુરોપીયન ચેમ્પિયનશીપ બાદથી મેજબાન ટીમે કુલ 19 મેચો રમી છે. જેમાંથી માત્ર 6માં જીતી છે. રશિયાની ટીમ ઓક્ટોબર 2017 બાદથી એક પણ મેચ જીતી નથી. જે ટીમની હાલની સ્થિતિ દર્શાવે છે.

સાઉદી અરબ ઉપરાંત રશિયાના ગ્રુપમાં ઉરુગ્વે અને ઈજિપ્તની ટીમો છે. જેમાંથી ફક્ત ઉરુગ્વેને દમદાર ટીમ ગણવામાં આવે છે. આવામાં ગ્રુપથી અન્ય તમામ ટીમોની પાસે પણ બીજા રાઉન્ડમાં પ્રવેશ કરવાની બરાબર તક છે. મેજબાન ટીમમાં કોઈ પણ સ્ટાર ખેલાડી હાજર નથી. અને ટુર્નામેન્ટ પહેલા તેના બે મજબુત ડિફેન્ડર વિક્ટર વાસિન અને જોર્જી ઝિકિયા ઉપરાંત ફોરવર્ડ એલેક્ઝેન્ડર કોકોરિન ઈજાના કારણે ટુર્નામેન્ટની બહાર છે.

કોચ ચેરચેશોવની ટીમની સૌથી મોટી નબળાઈ તેનું ડિફેન્સ છે અને વિક્ટર તથા ઝિકિયા ઈજાગ્રસ્ત થવાના કારણે તેમની પાસે બીજુ કોઈ એવું નથી જે ડિફેન્સને મજબુત કરી શકે. જો કે પ્રશંસકોને ગોલકીપર ઈગોર એકિન્ફીવ પાસેથી સારા પ્રદર્શનની આશા છે. ટીમના એટેકની જવાબદારી સ્ટ્રાઈકર ફેડર સ્મોલોવ પર હશે જેણે ક્રસ્ત્રોડાર એએફસી રમતા 2015-16 તથા 2016-17 સીઝનમાં રશિયાની પ્રથમ શ્રેણી લીગમાં સૌથી વધુ ગોલ કર્યાં.

બીજી બાજુ સાઉદી અરબ માટે પણ છેલ્લા કેટલાક વર્ષ સારા રહ્યાં નથી. વિશ્વ કપમાં ભાગ લેતા પહેલા છેલ્લા એક વર્ષમાં ટીમ ત્રણ કોચ બદલી ચૂકી છે. હાલના કોચ જુઆન એન્ટોની પિજ્જી માટે સાઉદી અરબને નોકાઉટ સ્તર સુધી પહોંચાડવી એ એક મોટો પડકાર છે.

જર્મનીમાં રમાયેલા 2006 વિશ્વ કપ બાદ પહેલીવાર પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં ટીમ ભાગ લઈ રહી છે. સાઉદી અરબની સૌથી મોટી તાકાત ટીમના હાલના ખેલાડીઓની એકજૂથતા છે. ટીમના મોટા ભાગના ખેલાડીઓ સાઉદી પ્રિમિયર લીગમાં રમે છે અને તેમની વચ્ચે સારો તાલમેળ છે. જો કે રશિયાની જેમ સાઉદી અરબની ટીમમાં પણ કોઈ મોટો ખેલાડી નથી. પરંતુ મિડફિલ્ડની જાન યહયા અલ શેહરી પર બધાની નજર રહેશે. સાઉદી અરબમાં અનુભવની પણ ઉણપ છે જે મેજબાન ટીમ સામે તેમની સૌથી મોટી કમજોરી સાબિત થઈ શકે છે.

(6:19 pm IST)