Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

તમારી ટીમમાં ૧૧ કોહલી કે ૧૧ સચિન ન હોઇ શકેઃ મુરલીધરન

કુલદીપ અને ચહલ સારા સ્પિનર, ધોની વગર કોહલી અધુરો

નવીદિલ્હી,તા.૧૪,મોહાલીમાં રમાયેલા ચોથા વનડેમાં ભારતીય ટીમ દ્વારા  આપેલા ૩૫૯ રનના લક્ષ્યને ઓસ્ટ્રેલિયા દ્વારા હાસિલ કર્યા બાદ ઘણા ક્રિકેટ પંડિત અને પ્રશંસક ભારતીય ટીમને લઈને ટિપ્પણીઓ કરવા લાગ્યા છે. ઘણા ક્રિકેટ પંડિતોએ બોલરોની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા તો કોઈએ વિરાટ કોહલીની આગેવાની પર પ્રશ્ન ચિન્હ લગાવતા કહ્યું કે, ધોની વગર કોહલી અધૂરો છે.

પૂર્વ ઓફ સ્પિનર મુથૈયા મુરલીધરને ભારતીય ટીમની આ ટિપ્પણીઓને ખોટી ગણાવી છે. તેનું માનવું છે કે લોકોએ ધૈર્ય રાખવાની જરૂર છે કારણ કે એક ટીમમાં ૧૧ ખેલાડી મેચ વિજેતા ન હોઈ શકે. તેણે આ સાથે કહ્યું કે, વિશ્વકપમાં જતા પહેલા તમામ પ્રકારના સંયોજન અજમાવવા જરૂરી છે.

તેમણે કહ્યું, તમારે ટીમની સાથે ધૈર્ય રાખવું પડશે. ભારતીય ટીમ ઘણુ સારૂ કરી રહી છે અને વિશ્વકપ નજીક હોવાથી પ્રયોગ પણ કરી રહી છે. તમારે સફળતાના માર્ગ પર કેટલિક મુશ્કેલીનો સામનો કરવો પડશે કારણ કે એક ટીમમાં ૧૧ વિકાટ કોહલી ન હોઈ શકે. દરેક મેચ વિજેતા ન હોઈ શકે. શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ સ્પિનરે કહ્યું, તમે કેટલાક મેચ જીતશો અને કેટલાક હારશો. બાકી દરેક ટીમ પાસે ૧૧ વિરાટ કોહલી, ૧૧ સચિન તેંડુલકર, ૧૧ ડોન બ્રેડમેન હોય, પરંતુ આમ ન થઈ શકે.

ભારતીય ટીમના સ્પિન વિભાગ પાર વાત કરતા મુરલીધરને કહ્યું કે, કુલદીપ યાદવ અને ચહલના રૂપમાં ટીમ પાસે સારા સ્પિનર છે. તેણે કહ્યું, મને લાગે છે કે તે શાનદાર કામ કરી રહ્યાં છે. બંન્નેની પાસે સારી યોગ્યતા છે. તેનું દરેક પરિસ્થિતિમાં સારૂ પ્રદર્શન કરવું દર્શાવે છે કે તેનામાં કેટલી પ્રતિભા છે. આ સાથે તમને કેમ લાગે છે કે અશ્વિન જેવો ખેલાડી નિર્ધારિત ઓવર માટે યોગ્યન નથી? તેવું એટલા માટે કે આ બંન્ને સ્પિનરોએ સારૂ પ્રદર્શન કર્યું છે. માત્ર એક ખરાબ મેચ (મોહાલી)ના દમ પર તમે આલોચના ન કરી શકો. અમે રોબોટ સાથે રમી રહ્યાં નથી.

(3:46 pm IST)