Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

મને કોઈ ક્રિકેટરે કોરો ચેક કે મદદ કરી નથી : જેકોબ માર્ટીનનો આક્રોશ

વડોદરાના પૂર્વ ક્રિકેટરો સ્વાર્થી, કૃણાલ પંડ્યા, સૌરવ ગાંગુલી અને લોકેશ રાહુલે મને મદદ કરી'તી

વડોદરા,તા.૧૪ : માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી જેકોબ માર્ટિનની હાલતમાં હવે સુધારો થઈ રહ્યો છે. તેણે એક વાતચીત દરમિયાન કહ્યું કે, ''મને વડોદરાના કોઈ ક્રિકેટરે મદદ કરી નથી કે કોઈએ મને કોરો ચેક પણ આપ્યો નથી.

હા, કૃણાલ પંડ્યાએ એક લાખ રૂપિયાનો ચેક જરૂર આપ્યો છે. એ માટે હું તેનો આભારી છું. આ ઉપરાંત મારા ગોડફાધર સૌરવ ગાંગુલી અને કે. એલ. રાહુલે મારી મદદ કરી છે. યુસુફ પઠાણે કોરો ચેક આપ્યો નથી.

આક્રોશ વ્યક્ત કરતાં જેકોબે જણાવ્યું કે, ''વડોદરાનાં ભૂતપૂર્વ ક્રિકેટરો સ્વાર્થી છે. તેઓ તેમની જાતને ખૂબ જ મહાન માને છે. વડોદરા ક્રિકેટને તેમણે ખૂબ આપ્યું હોવાનું માને છે, પરંતુ સત્ય એ છે કે વડોદરાને બે ખેલાડીએ રણજી ટ્રોફી જીતાડી છે, જેમાંના એક છે ડી. કે. ગાયકવાડ અને બીજો હું... વડોદરાનાં  ભૂતપૂર્વ ક્રિકેટરોને શરમ પણ આવતી નથી. મારી હાલત ખરાબ હતી ત્યારે મદદ કરવા માટે કોઈ આગળ આવ્યું ન હોતું.અંતમા માર્ટિને કહ્યું, ''સૌરવ ગાંગુલીને જ્યારે મારી હાલતની જાણ થઈ તેણે મારી પત્નીનો સંપર્ક કરીને માત્ર બે કલાકમાં જ મારા ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરી દીધા. તેમણે મારી પત્નીને કહ્યું હતું જ્યારે જેકોબ આંખ ખોલે ત્યારે તેને કહેજો કે તેનું સ્થાન હોસ્પિટલના બેડમાં નહીં, પરંતુ ક્રિકેટના મેદાનમાં છે. તેણે ક્રિકેટ માટે ઘણું કામ કરવાનું છે.

(3:30 pm IST)