Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

આઈપીએલ હરાજી : ૭૩ સ્થાન ભરવા બોલી લાગશે

૯૯૭ ખેલાડીઓમાંથી ૩૩૨ શોર્ટલિસ્ટેડ થયા : ૧૯મી ડિસેમ્બરના દિવસે કોલકાતામાં હરાજી પ્રક્રિયા

નવી દિલ્હી, તા. ૧૩ : ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ)ની ૧૨મી એડિશન માટે યોજાનાર હરાજીમાં ૩૩૨ ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. આઈપીએલ ૨૦૨૦ માટે આ વખતે કોલકાતામાં ૧૯મી ડિસેમ્બરના દિવસે લીગની આઠ ફ્રેન્ચાઈઝીસ પોતપોતાની ટીમમાં બાકી બચી ગયેલા સ્થાનો માટે બોલી લગાવશે.

આ લીગમાં એન્ટ્રી કરવાના ઇરાદાથી આ વખતે ૯૯૭ ખેલાડીઓએ પોતાના નામની નોંધણી કરાવી હતી. ત્યારબાદ ૩૩૨ નામને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. આ વખતે હરાજીમાં કુલ ૭૩ ખાલી જગ્યોને ભરવામાં આવનાર છે. આ વખતે લગાવવામાં આવનાર બોલીમાં ટોપ રિઝર્વ બેઝ પ્રાઇઝ બે કરોડ રૂપિયા છે જેમાં સાત વિદેશી ખેલાડીઓ સામેલ છે. બે કરોડની સ્લેબમાં કોઇપણ ભારતીય ખેલાડી સામેલ નથી. જે સાત ખેલાડીઓના નામ આમા સામેલ છે તેમાં પેટ કમિન્સ, હેઝલવુડ, ક્રિસ લીન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, ડેલ સ્ટેઇન અને એન્જેલા મેથ્યુસનો સમાવેશ થાય છે.

               હરાજીમાં રિઝર્વ બેઝ પ્રાઇઝ હેઠળ  સૌથી મોંઘા ખેલાડીની વાત કરવામાં આવે તો રોબીન ઉથપ્પાનો સમાવેશ થાય છે. રોબીન ઉથપ્પા હરાજીમાં બીજા સૌથી મોંઘા રિઝર્વ ખેલાડી તરીકે છે. રોબીન ઉથપ્પા બાદ પીયુષ ચાવલા, યુસુફ પઠાણ, જયદેવ એક કરોડની બેઝ પ્રાઇઝવાળી સ્લેબમાં સામેલ છે. મળેલી માહિતી મુજબ કોલકાતામાં હાથ ધરવામાં આવનાર હરાજી ૧૯મી ડિસેમ્બરના દિવસે ગુરુવારે ત્રણ વાગે શરૂ થશે. આ વખતે હરાજીમાં કુલ ૧૮૬ ખેલાડીઓ ભારતમાં સામેલ થશે જ્યારે ૧૪૩ ખેલાડીઓ વિદેશી રહેશે. ત્રણ ખેલાડી એસોસિએટ્સ દેશોના રહેનાર છે.

(9:27 pm IST)