Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની બહેન અનમ મિર્ઝાએ મોહમ્મદ અઝહરૂદ્દીનના પુત્ર સાથે લગ્ન કર્યા

અમદાવાદ :ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાની બહેન અનમ મિર્ઝાના લગ્ન પૂર્વ કેપ્ટન મોહંમદ અઝહરુદ્દીન ના દીકરા મોહંમદ અસુદ્દીન સાથે થયા છે. અનમે લગ્નની તસવીરોને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તસવીરોને શેર કરીને અનમે લખ્યું કે, મિસ્ટર એન્ડ મિસીસ....

અસુદ્દીને જે વીડિયો શેર કર્યો છે, તેમાં નિકાહની વિધી દેખાઈ રહી છે. દુલ્હનના પહેરવેશમાં અનમ સુંદર પરી જેવી લાગી રહી છે. અનમ મિર્ઝાએ પોતાના લગ્નમાં પિંક કલરનો ટ્રેડિશનલ આઉટફીટ સાથે પર્પલ કલરનો દુપટ્ટો પહેર્યો હતો. તમને જણાવી દઈએ કે, અસુદ્દીનની સાથે અનમના આ બીજી લગ્ન છે. આ પહેલા તેના લગ્ન બિઝનેસમેન બોયફ્રેન્ડ અકરબર રશીદ સાથે થયા હતા.

અનમે 2016ના વર્ષે હૈદરાબાદના બિઝનેસમેન અકબર રશીદ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ આ લગ્ન વધુ સમય ચાલ્યા ન હતી. બે વર્ષ બાદ બંનેએ તલાક લીધા હતા. તો અસુદ્દીન ક્રિકેટ રમે છે. તે ગત વર્ષે ગોવામાં રણજી ટીમમાં સિલેક્ટ થયા હતા, જેના પર ઘણો વિવાદ થયો હતો.

ઉલ્લેખનીય છે કે, અસુદ્દીન મોહંમદ અઝહરુદ્દીન અને તેમની પહેલી પત્ની નૂરીનનુ સંતાન છે. નૂરીનથી તેમને એક દીકરો અયઝુદ્દીન પણ હતા, જેનું રોડ અકસ્માતમાં મોત થયું હતું. હકીકતમાં, અઝહરુદ્દીને પોતાના દીકરાને સ્પોર્ટસ બાઈક સુઝુકી જીએસએક્સ-આર 1000 ગિફ્ટ કરી હતી. આ બાઈક પર સવાર થઈને અયઝુદ્દીન જઈ રહ્યો હતો, ત્યારે અકસ્માત સર્જાયો હતો. અઝહરુદ્દીનની વાત કરીએ તો તેમણે બીજા લગ્ન બોલિવુડ એક્ટ્રેસ સંગીતા બિજલાની સાથે કર્યા હતા, પરંતુ બાદમાં તેઓના તલાક થયા હતા.

(5:29 pm IST)