Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

આઈપીએલની હરાજી માટે ૩૩૨ પ્લેયર શોર્ટલીસ્ટ : બે કરોડની બેઝ પ્રાઈસમાં એક પણ ભારતીય નહિં

૧૯ ડિસેમ્બરે કલકત્તામાં થશે હરાજી : એક માત્ર રોબિન ઉથપ્પા ૧.૫ કરોડ સાથે ટોપ પર

મુંબઈ : આઇપીએલ માટેની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે એમ કહી શકાય છે, કેમ કે આઇપીએલ માટે રજિસ્ટર્ડ થયેલા ૯૭૧ પ્લેયરોમાંથી ૩૩૨ પ્લેયરોને હરાજી માટે શોર્ટલિસ્ટ કરાયા છે. હરાજી માટે બે કરોડ રૂપિયાની ટોપ બેઝ પ્રાઇસ નક્કી કરવામાં આવી છે. આ હરાજી ૧૯ ડિસેમ્બરે કલકત્તામાં થશે.

નોંધનીય છે કે ટોપ બેઝ પ્રાઇસમાં એક પણ ભારતીય ખેલાડીનો સમાવેશ નથી થયો.

બે કરોડની બેઝ પ્રાઇસમાં ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેકસવેલ, પેટ કમિન્સ, જોશ હેઝલવુડ, મિચેલ માર્શ, દક્ષિણ આફ્રિકાના ક્રિસ મોરિસ અને ડેલ સ્ટેન અને શ્રીલંકાના એન્જલો મેથ્યુઝને શોર્ટલિસ્ટ કરાયા છે. આ બેઝ પ્રાઇસમાં કોઈ પણ ભારતીય પ્લેયરનું નામ સામેલ નથી. એક માત્ર રોબિન ઉથપ્પા ૧.૫ કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસમાં ટોપ ભારતીય પ્લેયર છે.

ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ આજ સાંજ સુધીમાં રજૂ કરવામાં આવશે. શોર્ટલિસ્ટ કરેલા ખેલાડીઓમાં ર૪ અનકેપ્ડ ખેલાડી છે. તેમના નામ ફ્રેન્ચાઈઝી તરફથી રજૂ કરવામાં આવ્યા હતા. આ હરાજીમાં સૌથી પહેલાં બેટ્સમેનોની હરાજી થશે. એ પછી ઓલરાઉન્ડર, વિકેટકીપર-બેટ્સમેન, ફાસ્ટ બોલર્સ અને પછી સ્પિનર્સની હરાજી થશે. એ પછી કેપ્ડ અને અંતમાં અનકેપ્ડ ખેલાડીઓની હરાજી થશે. કુલ ૭૩ ખેલાડીઓની જગ્યા ખાલી છે. એમાંથી ર૯ વિદેશી ખેલાડીઓ હશે.

(3:09 pm IST)