Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

આજે હોકી વર્લ્ડ કપની કવોર્ટર ફાઇનલ ભારત વિ. નેધરલેન્ડ્સ : જે જીતે એ સેમીફાઈનલમાં

ભુવનેશ્વરમાં ચાલી રહેલા હોકી વર્લ્ડ કપમાં ભારત અપેક્ષાના બોજ હેઠળ આજે કવોર્ટર ફાઇનલમાં ૪૩ વર્ષ પછી પહેલી વખત પ્રતિષ્ઠિત વર્લ્ડ કપ ટાઇટલ જીતવા માટે શકિતશાળી નેધરલેન્ડ્સ સામે ટકરાશે. હોકીમાં ભવ્ય ઇતિહાસ ધરાવતું ભારત છેલ્લે ૧૯૭૫માં વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં રમ્યું હતું. ભારત એ વર્લ્ડ કપ જીત્યું હતું. એ વર્લ્ડ કપ વિજય ભારતનો એકમાત્ર વર્લ્ડ કપ વિજય હતો. ઇતિહાસ યજમાન ટીમની તરફેણ નથી કરતો, કારણ કે ભારત વર્લ્ડ કપમાં કયારેય નેધરલેન્ડ્સ સામે જીત્યું નથી. આ બન્ને દેશ વચ્ચે રમાયેલી છેલ્લી ૬ મેચમાં નેધરલેન્ડ્સ પાંચ જીત્યું હતું અને એક ડ્રો રહી હતી. જો મનપ્રીત સિંહ અને તેના ખેલાડીઓ ડચ ટીમ સામે જીતવામાં સફળ રહ્યા તો ભારતના ભવ્ય હોકી ઇતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેરાશે.

વર્તમાન ફોર્મ અને રેન્કિંગમાં બન્ને ટીમ વચ્ચે ખાસ કોઈ અંતર નથી. નેધરલેન્ડ્સ ચોથા અને ભારત પાંચમા સ્થાને છે. બન્ને ટીમ વચ્ચે છેલ્લી મેચ ૧-૧થી ડ્રો પરિણમી હતી. બન્ને ટીમ વચ્ચે કુલ ૧૦૫ મેચ રમાઈ છે, જેમાં ભારત ૩૩ જીત્યું છે જયારે ૪૮ હાર્યું છે અને બાકીની મેચ ડ્રો રહી છે. ૨૦૧૩થી અત્યાર સુધીમાં બન્ને ટીમ વચ્ચે ૯ મેચ રમાઈ છે જેમાં ભારતે ૪ જીતી છે અને એક ડ્રો રહી છે.

(3:39 pm IST)