Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે ટેસ્ટ સીરીઝ હાર્યુ નથી

કાલથી ઈન્દોરમાં પ્રથમ ટેસ્ટ : ૨૨મીથી કોલકતામાં ડે એન્ડ નાઈટ ટેસ્ટ : ટી-૨૦ સિરીઝ ઉપર કબ્જો જમાવ્યા બાદ ભારતીય ટીમ ફુલ ફોર્મમાં : બેટ્સમેનો - બોલરોએ પ્રભુત્વ બતાવવુ પડશે

રાજકોટ, તા. ૧૩ : ભારતે બાંગ્લાદેશને ટી-૨૦ સિરીઝમાં પછાડ્યા બાદ હવે આવતીકાલથી બે ટેસ્ટ મેચોની સીરીઝનો પ્રારંભ થઈ રહ્યો છે. ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં આવતીકાલે સવારે ૯ વાગ્યાથી મેચ શરૂ થશે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધીમાં સાત ટેસ્ટ મેચોની સીરીઝ રમાઈ હતી. જેમાં ભારત એકપણ સીરીઝ હાર્યુ નથી. બંને દેશો વચ્ચે પ્રથમ ટેસ્ટ ૨૦૦૦માં રમાયેલ. એકમાત્ર ટેસ્ટમાં ઢાકામાં ભારતે ૯ વિકેટે ટેસ્ટ જીતી લીધો હતો. ૨૦૧૭માં હૈદ્રાબાદમાં રમાયેલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો ૨૦૮ રને ભવ્ય વિજય થયો હતો.

બંને દેશો વચ્ચે તા.૧૪થી ૧૮ નવેમ્બર દરમિયાન પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. ત્યારબાદ ૨૨થી ૨૬ નવેમ્બર સુધી ઈડન ગાર્ડનમાં ડે એન્ડ નાઈટ ટેસ્ટ રમાનાર છે.

ટેસ્ટમાં ભારતના સચિન તેન્ડુલકરે સૌથી વધુ ૭ ટેસ્ટમાં ૮૨૦ રન (૫ સદી), રાહુલ દ્રવિડ ૫૬૦ (૩ સદી, ૧ ફીફટી), ગૌતમ ગંભીરે ૪ ટેસ્ટમાં ૩૮૧ રન (૨ સદી, ૧ ફીફટી), ગાંગુલી ૫ ટેસ્ટમાં ૩૭૧ રન (૧ સદી, ૩ ફિફટી) અને મુરલી વિજય ૩ ટેસ્ટમાં ૨૯૫ રન (૨ સદી) બનાવ્યા છે.

ભારતીય ટેસ્ટ ટીમ : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, અજીન્કીયા રહાણે, હનુમા વિહારી, વૃદ્ધિમાન સહા, રવિન્દ્ર જાડેજા, આર. અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, ઈશાંત શર્મા, શુભમન ગીલ, રીષભ પંત.

(3:56 pm IST)