Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

બ્રાઝિલ ગ્રાં. પ્રિ.નું ટાઇટલ લુઇસ હેમિલ્ટનના નામે

નવી દિલ્હી: મર્સિડીઝના ડ્રાઇવર લુઇસ હેમિલ્ટને રેડ બુલના મેક્સ વર્સ્ટાપ્પેનને પાછળ છોડતાં બ્રાઝિલ ગ્રાં. પ્રિ.નું ટાઇટલ જીતવાની સાથે પાંચમી વખત એફ વન ટાઇટલ જીતી લીધું હતું. આ ઉપરાંત તેની ટીમ મર્સિડીઝે પણ સતત પાંચમી વખત ટીમ ટાઇટલ જીત્યું હતું. મર્સિડીઝના ૬૨૦ પોઇન્ટ થઈ ગયા છે જ્યારે ફેરારી ૫૫૩ પોઇન્ટ સાથે બીજા ક્રમે છે. રેડ બુલ ૩૯૨ પોઇન્ટ સાથે ત્રીજા અને રેનોલ્ટ ૧૧૪ પોઇન્ટ સાથે ચોથા ક્રમે છે.મેક્સ વર્સ્ટાપ્પેને આ રેસમાં લીડ જાળવી રાખી હતી પરંતુ એસ્ટબાન ઓકોન સાથે ટક્કર થતાં તે બીજા સ્થાને ધકેલાઈ ગયો હતો. આ રેસમાં ફરારીનો ડ્રાઇવર કિમી રેક્કોનેન ત્રીજા સ્થાને રહ્યો હતો. ૭૧ લેપની બ્રાઝિલ ગ્રાં. પ્રિ. રેસમાં વર્સ્ટાપ્પેને પાંચમા સ્થાનેથી રેસની શરૂઆત કરી હતી અને તેણે ૪૩મા લેપ સુધી હેમિલ્ટન પર લીડ જાળવી રાખી હતી પરંતુ આ દરમિયાન મેક્સ વર્સ્ટાપ્પેનની ટક્કર ફોર્સ ઈન્ડિયાના ડ્રાઇવર ઓકોન સાથે થઈ હતી જેને કારણે હેમિલ્ટન વેર્સ્ટાપ્પેનથી આગળ થઈ ગયો હતો. હેમિલ્ટને ત્યારબાદ લીડ જાળવી રાખતાં કારકિર્દીની ૭૨મી જીત મેળવી હતી.  હેમિલ્ટને પાંચમી વખત એફ વન ચેમ્પિયનશિપ જીતી લીધી છે અને તે ફોર્મ્યુલા વનના ઇતિહાસનો સંયુક્ત બીજો સૌથી સફળ ડ્રાઇવર બની ગયો છે. તેણે આર્જેન્ટિનાના દિગ્ગજ જુઆન મેનુએલ ફેંગિઓની બરાબરી કરી હતી. હેમિલ્ટનથી આગળ હવે જર્મનીના દિગ્ગજ માઇકલ શૂમાકર છે. શૂમાકરે સાત વખત એફ વન ચેમ્પિયનશિપ જીતી છે. એફ વન ચેમ્પિયનશિપમાં વર્ષ દરમિયાન યોજાતી ૨૧ રેસમાં સૌથી વધુ રેસ જીતવાની સાથે સૌૈથી વધુ પોઇન્ટ મેળવનાર ડ્રાઇવરને આ ટાઇટલ અપાય છે. આ વર્ષે ૨૦ રેસ યોજાઈ ચૂકી છે અને છેલ્લી રેસ ૨૩થી ૨૫ નવેમ્બર દરમિયાન અબુધાબીમાં યોજાશે.

 

(4:13 pm IST)