Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

21 વર્ષ પછી ફૂટબોલના મેદાનમાં મેચ રમશે ચીન-ભારત

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે ફ્રેન્ડલી ફૂટબોલ મુકાબલો ખેલાશે. ફૂટબોલના મેદાન પર એશિયાના બે પાડોશી દેશો ૨૧ વર્ષ બાદ આમને-સામને ટકરાવા જઈ રહ્યા છે. શાંઘાઈથી ૧૦ કિલોમીટરના અંતરે આવેલા સુઝ્હોઉ ખાતે યોજાનારી ફ્રેન્ડલી ફૂટબોલ મેચ જીતવા માટે યજમાન ચીન હોટફેવરિટ મનાય છે. જ્યારે સુનિલ છેત્રીની આગેવાની હેઠળની ભારતીય ટીમને મેજર અપસેટ સર્જવાની આશા છે. ભારતીય સમય પ્રમાણે સાંજે થી મેચ શરૃ થશે.ભારતીય ફૂટબોલ ટીમ સૌ પ્રથમ વખત ચીનની ભૂમિ પર ફૂટબોલ મેચ રમશે. ભૂતકાળમાં ભારત અને ચીન વચ્ચે કુલ ૧૭  વખત આમને-સામને મુકાબલા ખેલાઈ ચૂક્યા છે. જોકે ૧૭માંથી એક પણ મેચ ભારત જીતી શક્યું નથી. જ્યારે ચીનની ટીમ ૧૨ વખત વિજેતા બની ચૂકી છે. પાંચ મેચો ડ્રોમાં પરિણમી છે. ચીનની ટીમ સાત વખત ભારતની ભૂમિ પર રમી ચૂકી છે અને તેની તમામ મેચો નેહરૃ કપ અંતર્ગત હતી. છેલ્લે ૧૯૯૭ના નેહરૃ કપમાં ભારત અને ચીનની સિનિયર ટીમો આમને-સામને ટકરાઈ હતી અને તે મેચમાં ચીન ૨-૧થી વિજેતા બન્યું હતુ. ભારતીય કેપ્ટન સુનિલ છેત્રી અને કોચ કોન્સ્ટાન્ટીનને ટીમના શાનદાર દેખાવની આશા છે. જાન્યુઆરીમાં યોજાનારા એએફસી એશિયન કપની પૂર્વતૈયારીના ભાગરૃપે મુકાબલાનું આયોજન કરવામાં આવ્યું છે. 

(5:19 pm IST)