Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

હવે શોએબ મલિક ટ્રમ્પ કાર્ડ તરીકે સાબિત થશે : લક્ષ્મણ

ભારત સામે શોએબ મલિક ભારે પડી શકે : સ્પીનરો સામે રમવામાં ખુબ કુશળતા ધરાવે છે : લક્ષ્મણ

નવી દિલ્હી, તા.૧૩ : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્ટાર ખેલાડી વીવીએસ લક્ષ્મણનું કહેવું છે કે, પાકિસ્તાની બેટ્સમેન શોએબ મલિક એશિયા કપમાં ભારતની સામે થનારી મેચમાં જોરદાર દેખાવ કરશે. લક્ષ્મણે કહ્યું હતું કે, શોએબ મલિક ભારતની સામે પાકિસ્તાન માટે ટ્રમ્પ કાર્ડ તરીકે સાબિત થશે. લક્ષ્મણે એમ પણ કહ્યું છે કે, શોએબ મલિક હંમેશા ભારત સામે જોરદાર દેખાવ કરતો રહ્યો છે. અનુભવી પણ છે. સ્પીન બોલરો સામે તે ખુબ શાનદાર બેટિંગ કરી શકે છે. મધ્ય ઓવરોમાં ભારત સ્પીનરો સાથે મેદાનમાં રહેશે. આવી સ્થિતિમાં શોએબ મલિકથી ભારતને સાવધાન રહેવું પડશે. વીવીએસ લક્ષ્મણનું કહેવું છે કે, ભારતની પાસે આ સમયે ચહેલ અને કુલદીપ નામના બે શાનદાર સ્પીનરો છે જ્યારે પાકિસ્તાનની પાસે ફકર અને બાબર આઝમ જેવા બોલરો છે. પાકિસ્તાનને સ્પર્ધામાં શાનદાર દેખાવ કરવા માટે શોએબ મલિકને મોટી ભૂમિકા અદા કરવી પડશે. લક્ષ્મણની દલીલ છે કે, શોએબ મલિક એવા ખેલાડી તરીકે છે જે જીતની ભૂમિકા અદા કરી શકે છે. તે સ્ટ્રઇક રેટને ખુબ ઉંચી સપાટી પર લઇ જવા માટે પણ સક્ષમ છે. સિંગલ રન લેવામાં પણ તે કુશળતા ધરાવે છે. એશિયા કપ ક્રિકેટની શરૂઆત હવે થવા જઈ રહી છે. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જેની ચાહકો રાહ જોઇ રહ્યા છે તે મેચ ૧૯મી સપ્ટેમ્બરના દિવસે રમાશે. ભારત અને પાકિસ્તાન એશિયા કપમાં આમને સામને આવશે. બંને ટીમોના ખેલાડીઓને શાનદાર દેખાવ કરવાની તક રહેશે. ભારતીય ટીમ વિરાટ કોહલીની ગેરહાજરીમાં મેદાનમાં ઉતરશે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ ઉતરનાર છે અને ટીમમાં મહેન્દ્રસિંહ ધોનીની ભૂમિકા ખુબ જ નિર્ણાયક બની શકે છે. ધોનીને પણ વ્યક્તિગતરીતે કેટલાક નવા રેકોર્ડ કરવાની તક રહેલી છે. બીજી બાજુ પાકિસ્તાની ખેલાડીઓને ભારત સામે રમીને સ્ટાર બનવાની તક પણ રહેલી છે.

(7:21 pm IST)