Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે નવ વિકેટથી શ્રીલંકા સામે મેળવી જીત

નવી દિલ્હી: ભારતીય મહિલા ટીમે શ્રીલંકા પ્રવાસમાં યજમાનો સામેની પ્રથમ વન ડેમાં નવ વિકેટથી આસાન વિજય મેળવ્યો હતો. આઇસીસી ચેમ્પિયનશીપ અંતર્ગત રમાયેલી વન ડેમાં શ્રીલંકાની ટીમ ૩૫.૧ ઓવરમાં માત્ર ૯૯ રનમાં જ ખખડી ગઈ હતી. જવાબમાં ભારતીય ટીમે માત્ર ૧૯.૫ ઓવરમાં એક વિકેટ ગુમાવીને ૧૦૦ રન કરતાં મેચ જીતી લીધી હતી. ભારતીય મહિલા ટીમની જીતમાં માનસી જોશીએ ત્રણ વિકેટ ઝડપીને મહત્વનો ફાળો આપ્યો હતો. જ્યારે સ્મ્રિતિ મંધાનાએ અણનમ ૭૩ રન ફટકારતાં ટીમને જીત અપાવી હતી. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. શ્રીલંકા તરફથી એકમાત્ર કેપ્ટન અથાપથ્થુએ જોરદાર સંઘર્ષ કરતાં ૯૩ બોલમાં બે ચોગ્ગા સાથે ૩૩ રન ફટકાર્યા હતા. તેના સિવાય વીરાકોડી (૨૬) અને માનોદારા (૧૨) જ શ્રીલંકાની એવી ખેલાડી હતી કે જે ડબલ ફિગરના સ્કોર સુધી પહોંચી શકી હતી. માનસી જોશીએ ૧૬ રનમાં ત્રણ અને ઝુલન ગોસ્વામીએ ૧૩ રનમાં બે વિકેટ ઝડપી હતી. પૂનમ યાદવને પણ ૧૩ રનમાં બે વિકેટ મળી હતી. જીતવા માટેના ૧૦૦ રનના ટાર્ગેટને ભારતને માત્ર ૧૯.૫ ઓવરમાં જ હાંસલ કર્યું હતુ. મંધાનાએ ૭૬ બોલમાં ૧૧ ચોગ્ગા અને બે છગ્ગા સાથે અણનમ ૭૩ રન કર્યા હતા. તેણે ઓપનર પુનમ રાઉત (૨૪) સાથે ૯૬ રનની ભાગીદારી કરી હતી અને કેપ્ટન મિથાલી સાથે વધુ ૪ રન જોડતા જીતની ઔપચારિકતા પૂર્ણ કરી હતી.

(5:30 pm IST)