Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

બીસીસીઆઇના નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (નાડા)ના ક્ષેત્રમાં આવવા અને બોર્ડની ચૂંટણી અંગે સીઓએની બેઠકમાં ચર્ચા

મુંબઈઃ બીસીસીઆઈના નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (નાડા)ના ક્ષેત્રમાં આવવા અને બોર્ડની ચૂંટણી પર મંગળવારે અહીં યોજાનારી પ્રશાસકોની સમિતિ (CoA)ની બેઠકમાં ચર્ચા થવાની આશા છે. પાછલા સપ્તાહે બીસીસીઆઈએ નાડા હેઠળ આવવા પર સહમતિ વ્યક્ત કર્યા બાદ સીઓએની પ્રથમ બેઠક હશે. સીઓએ સભ્યો દ્વારા ચર્ચા કરવાની સંભાવના છે કે નવા ફેરફારને કઈ રીતે બીસીસીઆઈના બંધારણમાં જગ્યા આપવામાં આવે.

વર્ષો સુધી ના પાડ્યા બાદ બીસીસીઆઈએ નવી દિલ્હીમાં રમત મંત્રાલયના મુખ્ય અધિકારીઓની સાથે પોતાના સીઈઓ રાહુલ જોહરીની બેઠક બાદ પાછલા શુક્રવારે નાડાના ક્ષેત્રમાં આવવા પર સહમત થયું હતું. માનવામાં આવી રહ્યું છે કે ડોપિંગ પ્રત્યે 'શૂન્ય સહિષ્ણુતા'ની નીતિને કારણે સીઈઓ મુદ્દા પર લાંબી ચર્ચા કરી શકે છે.

સીઓએમાં અધ્યક્ષ વિનોદ રાય સિવાય ડાયના એડલ્જી અને લેફ્ટિનેન્ટ જનરલ (સેવાનિવૃત) રવિ થોડગે પણ સામેલ છે. સમિતિ રાજ્ય એસોસિએશનની ચૂંટણીના સંદર્ભ અને ત્યારબાદ યોજાનારી બીસીસીઆઈની ચૂંટણીને લઈને પણ સ્થિતિની સમીક્ષા કરશે. બીસીસીઆઈની ચૂંટણી 22 ઓક્ટોબરે થવાની છે. સમિતિ તેના પર પણ ધ્યાન આપશે કે  કેટલા રાજ્ય એસોસિએશનોએ લોઢા સમિતિની ભલામણોને સ્વીકારી અને કેટલા એસોસિએશન હજુ પણ તેનું પાલન કરી શકતા નથી.

રાજ્ય એસોસિએશનોએ સપ્ટેમ્બરના બીજા સપ્તાહ પહેલા ચૂંટણીની પ્રક્રિયા પૂરી કરવી પડશે. એક અન્ય મુદ્દો જેના પર ચર્ચા થઈ શકે છે તે પુરૂષ રાષ્ટ્રીય ટીમના મુખ્ય કોચના પદના ઈન્ટરવ્યૂ માટે ઉમેદવારોની છટણી કરવી છે. પૂર્વ કેપ્ટન કપિલ દેવની આગેવાની વાળી ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી) મુખ્ય કોચના પદ માટે ઈન્ટરવ્યૂ લેશે.

મુખ્ય પદ માટે ઘણી અરજી મળ્યા બાદ સીઓએ ઉમેદવારોની છટણી કરશે. જે ઈન્ટરવ્યૂમાં ભાગ લેશે. ઈન્ટરવ્યૂ 16 ઓગસ્ટે થવાની સંભાવના છે. હાલના કોચ રવિ શાસ્ત્રી સિવાય પૂર્વ ભારતીય ખેલાડીઓ લાલચંદ રાજપૂત અને રોબિન સિંહ તથા ન્યૂઝીલેન્ડના પૂર્વ કોચ માઇક હેસન પદ માટે અન્ય દાવેદાર છે.

(4:27 pm IST)