Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

વિયેતનામ ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટની અજય જયરામને મળી હાર

નવી દિલ્હી: વિયેતનામ ખાતે રમાઈ રહેલી વિયેતનામ ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ભારતીય ખેલાડી અજય જયરામનો પરાજય થયો હતો. મેન્સ સિંગલ્સની ફાઇનલમાં દુનિયાના ૯૩માં ક્રમાંકિત ભારતીય ખેલાડી અજય જયરામનો ઇન્ડોનેશિયાના શેસાર હિરેન રુસ્તાવિતો સામે પરાજય થયો હતો. માત્ર ૨૮ મિનિટની ગેમમાં શેસારે ૨૧-૧૪ અને ૨૧-૧૦થી વિજય મેળવીને વિયેતનામ ઓપનનું ટાઈટલ પોતાના નામે કરી લીધું હતું. ઉલ્લેખનીય છે કે, જયરામ અને રુસ્તાવિતો વચ્ચે આ બીજો મુકાબલો હતો. ૨૦૧૩માં થાઈલેન્ડ ઓપનમાં અજયે આપેલા પરાજયનો બદલો શેસારે વિયેતનામ ઓપનમાં લીધો હતો. ઇન્ડોનેશિયાના ખેલાડી શેસારે શરૂઆતથી જ અજય ઉપર દબાણ વધારવાનું શરૂ કરી દીધું હતું. તેણે પહેલાં જ ત્રણ પોઇન્ટની સરસાઈ મેળવીને ૫-૨થી આગળ વધાવાનું શરૂ કરી દીધું હતું.જયરામે પોતાની ગેમમાં સુધારો કરીને એક સમયે ૯-૧૦થી સરસાઈ મેળવી લીધી હતી પણ શેસારે તેના કરતાં વધારે આક્રમકતા દાખવીને ગણતરીની મિનિટમાં જ બાજી બદલી નાખી. તેણે આ સાથે જ પહેલો સેટ ૨૧-૧૪થી પોતાના નામે કરી લીધો. બીજા સેટમાં પણ જયરામની રમત શેસાર સામે નબળી જ જણાતી હતી. જયરામની દરેક ભૂલનો શેસાર ફાયદો ઉઠાવી રહ્યો હતો. તેના કારણે જ બીજા સેટમાં પણ જયરામની સામે શેસારને ૨૧-૧૦થી વિજય થયો હતો. આ સાથે જ તેણે ફાઇનલ જીતીને વિયેતનામ ઓપનનું ટાઇટલ પોતાના નામે કરી લીધું.

(6:03 pm IST)