Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

ઓલિમ્પિકઃ બેડમીન્ટનમાં ૪ શટલર્સ ઉપર મેડલની આશા

સિન્ધુ- બી સાંઈ પ્રણીત- ડબલ્સમાં સાત્વિક સાંઈરાજ, રંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી

નવી દિલ્લીઃ ભારતને ઓલિમ્પિકમાં બે મેડલ હાંસલ થયા છે. ૨૦૧૨માં સાયના નેહવાલએ લંડનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યારે, ૨૦૧૬ રિયો ઓલિમ્પિકમાં પી. વી. સિન્ધુંએએ સિલ્વર મેડલ મેળવ્યો હતો. ભારત તરફથી ટોક્યો ઓલિમ્પિકમાં ચાર શટલર્સ કોર્ટમાં ઉતરશે. મહિલા સિંગ્લસ વર્ગમાં પીવી સિન્ધુ, પુરૂષ સિંગ્લસમાં બી સાંઈ પ્રણીત અને પુરૂષ ડબલ્સમાં સાત્વિકસાઈરાજ રંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી ભાગ લેશે. લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર અને પૂર્વ વર્લ્ડ નંબર ૧ શ્રીકાંત કિદાંબી કવોલિફાઈ નથી થઈ શક્યા.

(૧) પીવી સિન્ધુઃ- બેડમિન્ટમાં મેડલ મેળવવા માટે સૌથી પ્રબળ દાવેદાર પીવી સિન્ધુ છે. રિયો ઓલિમ્પિકમાં મેડલ મેળવનારી સિન્ધુ ૨૦૧૯માં વર્લ્ડ ચેમ્પિયન બની હતી. સિન્ધુ ટોક્યો ઓલિમ્પિકમાં જનારી એકમાત્ર મહિલા શટલર છે. તેમના માટે ગયું વર્ષ કઈ સારું નથી રહ્યું. તે કેટલીક ટૂર્નામેન્ટમાં શરૂઆતી રાઉન્ડમાં જ બહાર ફેંકાઈ હતી. જોકે માર્ચમાં તે સ્વિસ ઓપનના ફાઈનલમાં પહોંચી હતી. સિન્ધુને મોટી મેચોની પ્લેયર માનવામાં આવે છે. ત્યારે, આ વખતે તેમની પાસેથી ઓલિમ્પિક ગોલ્ડની આશા પુરી થઈ શકે છે.

(૨) બી સાંઈ પ્રણીતઃ- બી સાંઈ પ્રણીત અત્યાર વર્લ્ડ રેન્કિંગમાં ૧૫માં સ્થાને છે. ૨૦૧૯માં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં તે બ્રોન્ઝ મેડલ મેળવવામાં કામયાબ થયો હતો. પ્રણીતે પોતાના કરિયરમાં લી ચોન્ગ વેઈ, લી જુનહુઈ જેવા દિગ્ગજ ખેલાડીઓને માત આપી છે. ત્યારે પ્રણીત ઓલિમ્પિકમાં પણ કોઈ આવો ઉલટફેર કરી મેડલ લઈ આવે તો નવાઈ નહિ.

(૩) ભારતીય ડબલ્સ ટીમઃ- ભારતથી ડબલ્સમાં સાત્વિકસાઈરાજ રંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી ભાગ લેશે. યુવા ખેલાડીઓની આ જોડી હાલ વર્લ્ડ રેન્કિંગમાં ૧૦માં ક્રમાંકે છે. ૨૦૧૮ કોમ્નવેલ્થ ગેમ્સથી બંને સાથે રમી રહ્યા છે. એવામાં આ બે ખેલાડીઓ વચ્ચે તાલમેલ ખૂબ જ સારો છે. બંને ૨૦૧૯માં મકાઉ ઓપનમાં ચેમ્પિયન થયા હતા. ત્યારે, આ વર્ષે તેઓ થાઈલેન્ડ ઓપનમાં પણ ફાઈનલ સુધી પહોંચ્યા હતા.

(3:13 pm IST)