Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

અંબાતી રાયડૂની પત્ની ચેન્નૂપલ્લી વિદ્યાએ પુત્રીને જન્મ આપ્યો :ક્રિકેટરે શેર કરી તસવીર

તસવીરને કેપ્શનમાં તેણે લખ્યું, ધન્ય થઈ ગયો

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમતા ભારતીય ક્રિકેટર અંબાતી રાયડૂની પત્ની ચેન્નૂપલ્લી વિદ્યાએ પુત્રીને જન્મ આપ્યો છે. ક્રિકેટરે ઈન્સ્ટાગ્રામ દ્વારા અને ચેન્નઈ સુપર કિંગ્સે તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી આ વાતની જાણકારી આપી છે. તસવીરમાં રાયડૂ તેની પત્ની અને પુત્રી સાથે નજરે પડી રહ્યો છે. તસવીરને કેપ્શનમાં તેણે લખ્યું, ધન્ય થઈ ગયો.

 

  33 વર્ષીય આ ક્રિકેટરના કરિયરની વાત કરીએ તો એક સમયે તેણે ભારતીય ટીમમાં ચોથા નંબર પર સ્થાન નિશ્ચિત કરી લીધું હતું પરંતુ ફોર્મ ગુમાવતાં ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત વર્લ્ડકપમાં તેનો સમાવેશ ન કરતાં પસંદગી સમિતિ પર તેણે સવાલો ઉઠાવ્યા હતા અને નિવૃત્તિની પણ જાહેરાત કરી દીધી હતી અને પછી આ મુદ્દે યુ ટર્ન લઈ લીધો હતો.

  વર્લ્ડકપ 2019ની ભારતીય ટીમમાં પસંદગી ન થવા બદલ રાયડૂએ ટ્વિટ કર્યુ હતું કે, વર્લ્ડકપ જોવા મેં હમણા જ 3D ચશ્માનો ઓર્ડર કર્યો છે. તે સમયે પસંદગીકર્તા એમએસકે પ્રસાદે એવું નિવેદન આપ્યું હતું કે, ચેમ્પિયન્સ ટ્રોફી બાદ અમે મિડલ ઓર્ડરમાં દિનેશ કાર્તિક, મનીષ પાંડે, અંબાતી રાયડૂ સહિત અનેક ખેલાડીને મોકા આપ્યા હતા. પરંતુ વિજય શંકર બેટિંગની સાથે બોલિંગ પણ કરી શકે છે. ઈંગ્લેન્ડની પરિસ્થિતિને જોતાં તે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તે સારી બોલિંગ પણ કરે છે તેથી તેની પસંદગી કરી છે.
રાયડૂએ ટીમ ઈન્ડિયા તરફથી 55 વન ડેમાં 10 અડધી સદી અને 3 સદી વડે 1694 રન બનાવ્યા છે. જ્યારે 6 ટી20માં 42 રન બનાવ્યા છે. આઈપીએલની 147 મેચમાં રાયડૂએ 3300 રન બનાવ્યા છે. આઈપીએલમાં તેણે 18 સદી અને એક સદી પણ ફટકારી છે.

(1:34 pm IST)