Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

મેચ દરમિયાન અમ્પાયર સામે ગેરવર્તન કરવા બદલ સાકીબ હસનને ચાર મેચમાંથી સસ્પેન્ડ કરાયો

ઢાકા: બાંગ્લાદેશના ઓલરાઉન્ડર સાકીબ હસને ઠાકા પ્રીમિયર લીગ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેદાન પર અમ્પાયર સામે અણછાજતું વર્તન કરીને સ્ટમ્પ ઉઠાવીને ફેંકી દીધા હતા. તેણે મેચમાં બે વાર આ પ્રકારનું ખરાબ વર્તન કર્યું હતું જેને પરિણામે તેને ઠાકા લીગની ચાર મેચમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

મોહમેદાન સ્પોર્ટિંગ અને અબહાની લિમિટેડ વચ્ચે રમાઈ રહેલી મેચ દરમિયાન સાકીબની ઘટના બની હતી. મોહમેદાન સ્પોર્ટિંગ ક્લબના સુકાની સાકીબ હસને ઠાકા પ્રીમિયર લીગની મેચ દરમિયાન અમ્પાયરના નિર્ણય સામે બે વાર ખરાબ વર્તન કર્યું હતું. હવે તે આ લીગની આગામી ચાર મેચમાં રમી શકશે નહીં.

મેચ દરમિયાન તેણે હરીફ ટીમના બેટ્સમેન અને બાંગ્લાદેશની નેશનલ ટીમના પોતાના સાથી મુશ્ફીકૂર રહીમ સામે લેગબિફોરની અપીલ કરી હતી જેને અમ્પાયરે નકારી કાઢતાં સાકીબ અંકુશ ગુમાવી બેઠો હતો અને સ્ટમ્પને લાત મારી દીધી હતી. ત્યાર બાદ મેચના પરિણામ માટે જરૂરી છ ઓવરમાં માત્ર એક બોલ બાકી હતો ત્યારે અમ્પાયર્સે વરસાદને કારણે મેદાન પર કવર મગાવી લેતા સાકીબે મિડ ઓફ પરની પોતાની જગ્યાએથી દોડી આવીને ત્રણેય સ્ટમ્પ ઉઠાવી લીધા હતા અને વિકેટ પર જ ફેંકી દીધા હતા. જોકે ત્યાર બાદ વરસાદને કારણે મેચ શરૂ થઈ શકી ન હતી અને સાકીબની ટીમ આસાનીથી જીતી ગઈ હતી પરંતુ સાકીબે હરીફ ટીમના ખેલાડીઓ તથા તેના એક સમયના બાંગ્લાદેશી ટીમના કેપ્ટન ખાલીદ મહેમૂદ સુજાન સાથે પણ તકરાર કરી હતી.

સાકીબ હસને તેના સત્તાવાર ફેસબુક પેજ પર આ મામલે બિનશરતી માફી માગી હતી પરંતુ મેચ પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવાની તેની વર્તણૂંકની નોંધ લેવાઈ હતી કેમ કે આ લેવલ-3નો ગુનો હતો.સાકીબ હસન બાંગ્લાદેશનો સૌથી સફળ ઇન્ટરનેશનલ ક્રિકેટર છે જેણે રમતના ત્રણેય માળખામાં મળીને દસ હજારથી વધુ રન અને 600થી વધુ વિકેટ ઝડપેલી છે. અગાઉ તેને આઇપીએલમાં મેચ ફિક્સિંગ માટે એક વર્ષ માટે પ્રતિબંધિત કરાયો હતો.

(12:43 pm IST)