Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

ભાવનગરના ચેતન સાકરિયાની આઇપીઍલમાં પ્રથમ મેચઃ પરિવારની સ્થિતિ ખૂબ જ ગરીબઃ પિતા અકસ્માત બાદ પથારીવશઃ નાના ભાઇઍ ૩ મહિના પહેલા આપઘાત કર્યો

ભાવનગરઃ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રાજસ્થાન વતી ડેબ્યુ મેચમાં જ 3 વિકેટ લઇ ધ્યાન ખેંચનારા ભાવનગરી ચેતન સાકરિયાનું જીવન સામાન્ય નથી. તેની અને તેના પરિવાર વિષે જાણી આંખમાં પાણી આવી જશે. ચેતનના પિતા લોરી ડ્રાઇવર હતા. ત્રણ અકસ્માત બાદ પથારીવશ છે.

ઇંટના ભઠ્ઠામાં કામ કરી પરિવારને આર્થિક મદદ કરનારા નાના ભાઇએ ત્રણ મહિના પહેલાં જ આત્મહત્યા કરી લીધી. માતા સાડીઓમાં સ્ટોનવર્ક કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

15 વર્ષની વયે ચેતને ક્રિકેટ છોડવાનો પણ વિચાર કરેલો

IPL-14 સીઝન માટે રાજસ્થાન રોયલ્સે 1.20 કરોડમાં ચેતન સાકરિયાને ખરીદતા ચેતનના પરિવારમાં સુખનો કોઇ પાર નહતો. કારણ કે કુટુંબની આર્થિક સ્થિતિને કારણે 15 વર્ષની વયે ક્રિકેટ છોડી દેવાનો પણ તેણે વિચાર કર્યો હતો. પરંતુ સ્કૂલના ગુરુ અને ઘરના સભ્યોએ તેને હિમ્મત આપી હતી. 22 ઓગસ્ટ 1998માં ભાવનગરમાં જન્મેલો ચેતન આજે આ મુકામ સુધી પહોંચ્યો તેની પાછળ તેના અને તેના પરિવારનો સંઘર્ષ રહેલો છે.

ભાઇએ જીવન ટુંકાવ્યું, ત્યારે ચેતન સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં હતો

ચેતન સાકરીયાની બેઝ પ્રાઇસ 20 લાખ રૂપિયા હતી પરંતુ રાજસ્થાને તેને 1.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો. જોકે તેના માટે આઈપીએલમાં રમવું સરળ નહોતું. આ વર્ષે જાન્યુઆરીમાં તેના ભાઈએ આત્મહત્યા કરી હતી. લીગ પહેલા ચેતન સાકરીયાએ કહ્યું હતું કે, ‘મારા ભાઈ રાહુલે જાન્યુઆરીમાં આત્મહત્યા કરી હતી. હું તે સમયે ટી -20 સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં રમી રહ્યો હતો. પરંતુ માતાએ તેને જાણ કરી નહતી. તેમને ડર હતો કે ચેતન ભાઇના નિધનનું સાંભળી તૂટી પડશે. પરંતુ 10 દિવસ બાદ ફોન પર ધિરજ તૂટી જતાં તેમણે ચેતનને આ દુઃખ સમાચાર જણાવ્યા હતા.

આ અંગે ચેતને મને ખબર પણ નહોતી કે તે ઘરે પરત ફરતા પહેલા જ ગુજરી ગયો હતો.

ટૂર્નામેન્ટ દરમિયાન જ્યારે પણ હું મારા પરિવારના સભ્યોને રાહુલ સાથે વાત કરાવવાનું કહેતો ત્યારે તે બહાના કરીને ટાળી દેતા હતા. આજે હું તેને સૌથી વધુ યાદ કરું છું. જો તે આજે જીવતો હોત, તો તે મારા કરતા પણ વધારે ખુશ હોત.

સહેવાગે પણ સાકરિયા અંગે ટ્વીટ કરી

આ અંગે વિરેન્દ્ર સહેવાગે પણ એક ટ્વિટ કરીને લખ્યું છે કે, “થોડા મહિના પહેલા જ ચેતન સાકરિયાના ભાઇએ આપઘાત કરીને જીંદગી ટૂંકાવી દીધી હતી. ત્યારે ચેતન એસએમએ ટ્રોફી રમી રહ્યો હતો એટલે તેના માતાપિતાએ આ વાત તેને કહી ન હતી. આ યુવાન ખેલાડી અને તેના પરિવાર માટે ક્રિકેટ એટલે શું તે આનાથી સમજી શકાય. આઈપીએલ એ ભારતીય સપનાનું અને અસાધારણ સમસ્યાઓનું સાચું માપદંડ છે. 🙏🏼Great prospect”

માતાના શબ્દોમાં છલકી રહ્યો છે દર્દ

ચેતન અંગે તેની માતા પરિવારની આર્થિક સ્થિતિ અંગે જ્યારે વાત કરી તો તેમના શબ્દોમાં દર્દ છલકતુ હતુ.

દરવખતે ચેતન તેના પિતાની તબિયત અંગે પૂછતો અને ભાઇ સાથે વાત કરવાનું કહેતો હતો. પણ હું વાત જ બદલી દેતી હતી. હું તેને પિતા સાથે વાત કરવા દેતી ન હતી, કારણ કે મને ખબર હતી કે, મારા પતિ તેને હકીકત જણાવી દેશે. પરંતુ એક દિવસ ફોનમાં વાત કરતી વખતે હું તૂટી ગઇ. ભાઇના મોતની વાત ખબર પડતા અઠવાડિયું તે કોઇની સાથે બોલ્યો ન હતો કે કાંઇ ખાધુ ન હતું. બંને ભાઇઓ ઘણાં જ નજીક હતા.

આ દુર્ઘટનાના એક મહિના પછી જ ચેતન આઇપીએલ માટે 1.20 કરોડ માટે સિલેક્ટ થયો હતો. સપના જેવું લાગે છે, અમે રૂપિયા માટે ઘણી મહેનત કરી છે. ચેતનના પિતા લોરી ડ્રાઇવર હતા. પરંતુ તેમને ત્રણ અકસ્માત થતા હાલ તે પથારીવશ છે. તેથી તે કમાઇ શકતા પણ ન હતા. હજી તે દીકરાના આપઘાતના દુખમાંથી બહાર નથી આવી શક્યા.

પરિવારનું ગુજરાન ચલાવવા માટે ચેતન મોટો થયો ત્યારથી મામાની સ્ટેશનરીની દુકાનમાં કામ કરતો હતો. પાંચ વર્ષ પહેલા અમારી પાસે ટીવી પણ ન હતું. મારા પતિના અકસ્માત પછી મારો બીજો દીકરો ઘરનું ગુજરાન ચલાવતો હતો. પરંતુ હવે તે પણ નથી. હું પણ સારીમાં સ્ટોન વર્ક કરીને પરિવારના ગુજરાનમાં ફાળો આપતી હતી. મારા બાળકો નાના હતા ત્યારથી જ હું તેમને ઘરે એકલા મૂકીને કામ કરવા જતી હતી. આ બધા દર્દમાં ચેતન આઇપીએલમાં પસંદગી પામ્યો તે સમાચારે અમારા માટે દુઃખ હરવાનું કામ કર્યું હતું. આ રુપિયાથી ચેતનને રાજકોટમાં અમારા માટે ઘર લેવું છે.

(5:27 pm IST)
  • જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોશીને કોરોના પોઝિટિવ આવ્યો : ધારાસભ્યએ કરી જાહેરાત : હોમકોરોન્ટાઇન થયા access_time 11:23 pm IST

  • હોલમાર્ક વગરના સોના - ઝવેરાત અંગે સરકારનો મોટો નિર્ણય : 1 જૂનથી વેચી નહીં શકાય : સરકારે મંગળવારે કહ્યું છે કે તે 1 જૂન 2021 થી ગોલ્ડ જ્વેલરી અને ઉત્પાદનો માટે ફરજિયાત હેલમાર્કિંગ લાગુ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ગોલ્ડ હોલમાર્કિંગ કિંમતી ધાતુની શુદ્ધતા માટેનું પ્રમાણપત્ર છે અને હાલમાં સ્વૈચ્છિક છે. access_time 12:16 am IST

  • ડો. પ્રવિણ તોગડીયાને કોરોના : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના વડા ડો. પ્રવિણ તોગડીયા પણ કોરોના સંક્રમિત થયા છે. હાલ તેઓ હોમ આઈસોલેશન હેઠળ છે. access_time 11:21 am IST