Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

બેવડી જવાબદારી નિભાવતો પાર્થીવ પટેલઃ રાત્રે મેચ અને સવારે પિતા પાસે હોસ્પિટલમાં

આરસીબીની ટીમ તમામ મેચ હારી છે છતા પાર્થીવનું ફોમ સૌથી સારૂ રહ્યુ છે

નવીદિલ્હીઃ આઈપીએલની જમાવટ થઈ રહી છે. ત્યારે રોયલ ચેલેન્ઝર્સ બેંગલોરના વિકેટકિપર અને ઓપનીંગ બેટ્સમેન પાર્થીવ પટેલ બેવડી જવાબદારી નિભાવી રહ્યો છે. આરસીબી પોતાના બધા મેચો હારી ચૂકી છે, એવામાં પાર્થીવનું પરફોમન્સ સૌથી સારૂ ચાલી રહ્યું છે.

વાત જાણે એમ છે કે પાર્થીવના પિતા ગત ફેબ્રુઆરીથી બ્રેઈન હેમરેજના કારણે અમદાવાદની હોસ્પિટલમાં દાખલ છે. એટલે પાર્થીવ આરસીબીનો મેચ પૂરો થતાની સાથે પિતા પાસે જવાની તૈયારીમાં લાગી જાય છે. આરસીબીએ તેને પિતા પાસે જવાની છૂટ આપી છે. પાર્થીવે એક ઈન્ટરવ્યુમાં જણાવેલ કે મેચ દરમિયાન મારા મગજમાં કશું હોતુ નથી, પણ જેવો મેચ પૂરો થાય એટલે તરત મોબાઈલ તરફ નજર દોડાવું છું.

તેણે વધુમાં ઉમેરેલ કે ઘણીવાર મારા ઘરેથી ફોન આવે ત્યારે ઉપાડતા પણ ડર લાગે છે. મારી માતા અને પત્નિ અમદાવાદમાં પિતા પાસે છે પણ અમુક નિર્ણયો માટે મને જ પૂછવામાં આવે છે. પાર્થીવે પિતાના કારણે સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટ છોડી હતી. પણ ઘરના સભ્યોના કહેવાથી આઈપીએલમાં રમી રહ્યો છે.

(3:48 pm IST)