Gujarati News

Gujarati News

News of Friday, 13th March 2020

રણજી ટ્રોફીમાં ઈતિહાસ રચાયો : સૌરાષ્ટ્ર ૭૬ વર્ષ બાદ ચેમ્પિયન

સૌરાષ્ટ્ર ૪૨૫/૧૦, બંગાળ ૩૮૧/૧૦ : પ્રથમ ઈનિંગની લીડના આધારે ચેમ્પિયન : કેપ્ટન જયદેવ ઉનડકટે અંતિમ ૪માંથી ૨ વિકેટ લીધી, એકને રનઆઉટ પણ કર્યો : સૌરાષ્ટ્ર બીજા દાવમાં ૧૦૫/૪

રાજકોટ, તા. ૧૩ : સૌરાષ્ટ્રની ટીમ રણજી ટ્રોફી ૨૦૧૯-૨૦ની ફાઇનલમાં પાંચમા દિવસે રાજકોટ ખાતે પ્રથમ ઇનિંગ્સમાં લીડના કારણે ટેકિનકલ રીતે ચેમ્પિયન બની ગયું છે. સૌરાષ્ટ્ર પ્રથમ દાવમાં ૪૨૫ રનમાં ઓલઆઉટ થયું હતું. જવાબમાં બંગાળ ૩૮૧ રન જ કરી શકયું હતું. નિયમ અનુસાર મેચ ડ્રો થાય તો ફર્સ્ટ ઇનિંગ્સ લીડના આધારે ચેમ્પિયન જાહેર કરવામાં આવે છે.

આજે પાંચમા દિવસની શરૂઆત થઇ ત્યારે બંગાળ સૌરાષ્ટ્ર કરતા ૭૨ રન પાછળ હતું અને તેની ૪ વિકેટ બાકી હતી. અનુસ્તૂપ મજુમદાર ફિફટી મારીને બેટિંગ કરી રહ્યો હોવાથી હોમ ટીમ માટે લીડ મેળવી અઘરી પડશે તેમ જણાતું હતું. જોકે સીઝનમાં ૬૫ વિકેટ મેળવનાર કેપ્ટન જયદેવ ઉનડકટે ટીમને જરૂર હતી ત્યારે ફરી એકવાર તરખાટ મચાવ્યો હતો. જયદેવનો ફૂલ બોલ ઓફ-સ્ટમ્પ પાસે પિચ થયો અને અંદર આવ્યો. મજુમદાર ખોટી લાઈનમાં રમ્યો અને એલબીડબ્લ્યુ થયો હતો. તેણે રિવ્યુ લીધો જોકે અમ્પાયરનો નિર્ણય ફેરવી શકયો નહોતો. મઝુમદારે ૧૫૧ બોલમાં ૮ ફોરની મદદથી ૬૩ રન કર્યા હતા.

મજુમદાર આઉટ થયો તેના એક બોલ પછી ઉનડકટની જ બોલિંગમાં આકાશદીપ બીટ થયો હતો. કીપર હાર્વિકે તે ક્રિઝની બહાર ઉભો હોવાથી થ્રો માર્યો હતો પરંતુ ચૂકી ગયો હતો. ઉનડકટે બોલ કલેકટ કર્યો અને ફરીથી થ્રો માર્યો, બધાના આશ્ચર્ય વચ્ચે આકાશ હજી ક્રિઝની બહાર હતો અને તેને પેવેલિયન ભેગું થવું પડ્યું હતું.

ધર્મેન્દ્રસિંહ જાડેજાની બોલિંગમાં મુકેશ કુમાર ૫ રને શોર્ટ-લેગમાં વિશ્વરાજના હાથે કેચ આઉટ થયો હતો. અમ્પાયરે મુકેશને નોટઆઉટ આપ્યો હતો. ઉનડકટને આ અંગે ખ્યાલ નહોતો પરંતુ બોલર જાડેજાને વિશ્વાસ હતો કે બેટ્સમેન આઉટ છે. તેના કહેવા પર ઉનડકટે રિવ્યુ લીધો અને બંગાળની નવમી વિકેટ પડી. ૧૧જ્રાક્ન ક્રમે આવેલો ઈશાન પોરેલ ઉનડકટની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. ટીમને એકલા હાથે ફાઇનલ સુધી પહોંચાડનાર કેપ્ટને જ અંતિમ વિકેટ લીધી!

૧૯૩૬-૩૭માં બર્ટ વેન્સ્લી નામના બ્રિટિશ સરકારના અધિકારીએ નવાનગરની કેપ્ટનશીપ કરીને ટીમને ફાઇનલમાં બંગાળ સામે રણજી ચેમ્પિયન બનાવી હતી. જયારે ૧૯૪૩-૪૪માં બ્રિટિશ સરકારના કેપ્ટન હર્બર્ટ બેરેટે જામસાહેબ રણજીતસિંહના આગ્રહથી વેસ્ટર્ન ઈન્ડિયાની કેપ્ટનશીપ સંભાળી અને બંગાળ સામે ફાઇનલમાં ટીમ જીતી હતી.

આ લખાય છે ત્યારે સૌરાષ્ટ્રે બીજા દાવમાં ૩૪ ઓવરમાં ૪ વિકેટે ૧૦૫ રન બનાવ્યા છે. દેસાઈ ૨૧, બારોટ ૩૯, વિશ્વરાજ ૧૭ અને વસાવડા ૩ રન બનાવી આઉટ થયા છે. શેલ્ડન જેકશન ૧૨ રને દાવમાં છે. શાહબાઝ ૨, આકાશદીપ અને સુદીપ ચટર્જીએ ૧-૧ વિકેટ લીધી છે.

(3:10 pm IST)