Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

કાંગારૂઓ હાર્યા : રબાડાએ ૪ વખત ૧૦થી વધુ વિકેટ લઈ વકાર યુનુસના રેકોર્ડની બરાબરી કરી

બીજા દાવમાં ઓસ્ટ્રેલિયા ૨૩૯માં ઓલઆઉટ : આફ્રિકાએ ૪ વિકેટે ૧૦૧ રન બનાવી લીધા

ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝની બીજી મેચમાં યજમાન સાઉથ આફ્રિકાએ વળતો હુમલા કરતા ૬ વિકેટે જીત મેળવી છે. આ જીત સાથે ટેસ્ટ સીરીઝ હવે ૧-૧થી બરોબર થઈ ગઈ છે.

પોર્ટ એલિઝાબેથ ટેસ્ટના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયા બીજી ઈનીંગ્સમાં ૨૩૯ રનમાં ઓલઆઉટ થયુ હતું. પહેલી ઈનીંગ્સમાં પાંચ વિકેટ લેનાર ફાસ્ટ બોલર કેગીસો રબાડાએ બીજી ઈનીંગ્સમાં પણ ૫૪ રન આપીને ૬ વિકેટ લીધી હતી. પહેલી ઈનીંગ્સમાં મળેલી ૧૩૯ રનની લીડને કારણે સાઉથ આફ્રિકાને જીતવા માટે ૧૦૧ રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જે તેણે ચાર વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. આ મેચમાં એ. બી. ડિવિલિયર્સે પહેલી ઈનીંગ્સમાં શાનદાર નોટઆઉટ ૧૨૬ રન કર્યા હતા.

આ મેચમાં મેન ઓફ ધ મેચ જાહેર થયેલા રબાડાએ ૧૫૦ રનમાં કુલ ૧૧ વિકેટ લીધી હતી. ૨૨ વર્ષના બોલરે અત્યાર સુધી કુલ ૨૮ મેચમાં ચાર વખત ટેસ્ટમાં ૧૦ કરતા વધુ વિકેટ લીધી છે. અગાઉ આટલી નાની ઉંમરમાં આ સિદ્ધિ પાકિસ્તાનના બોલર વકાર યુનુસે મેળવી હતી. જો કે તે રબાડા કરતા ૭ ટેસ્ટ વધુ રમ્યો હતો.

(3:41 pm IST)