Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

ઓસ્ટ્રેલિયા સામેની પાંચ વન-ડે મેચની સિરીઝ બીજી માર્ચે હૈદરાબાદમાં શરૂ

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયા સામેની આગામી સિરીઝ માટે 15મી ફેબ્રુઆરીએ પસદંગી સમિતિ પાંચ વન-ડે મેચની સિરીઝ માટે ટીમની પસંદગી કરશે. ત્યારે તેમાં કોઈ પણ પ્રકારના પ્રયોગ કરવાની શક્યતા ઘણી ઓછી છે. પાંચ વન-ડે મેચની સિરીઝ બીજી માર્ચે હૈદરાબાદમાં શરૂ થશે. તે પછી નાગપુરમાં પાંચ માર્ચ, રાંચીમાં આઠ માર્ચ, મોહાલીમાં 10 માર્ચ અને દિલ્હીમાં 13મા માર્ચે મેચ યોજાશે. 15મી ફેબ્રુઆરીના રોજ ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 સિરીઝ માટે પણ ટીમની પસંદગી થશે. બે ટી-20 24મીએ વિશાખાપટ્ટનમમાં અને 27મીએ બેંગ્લુરૂમાં યોજાશે. ટીમ મેનેજમેન્ટ ટી-2સિરીઝમાં ફેરફાર કરી શકે છે. પરંતુ વર્લ્ડ કપ અગાઉ ભારતની અંતિમ વન-ડે સિરીઝ હોવાથી તેમાં ફેરફાર થવાની શક્યતા ઘણી ઓછી છે. વર્લ્ડ કપના તમામ દાવેદાર ખેલાડીઓને અજમાવવા માટે પસંદગીકારો વન-ડે સિરીઝ માટે 15ના બદલે 16 સભ્યોની પસંદગી કરી શકે છે. ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં રમનારી ભારતીય ટીમ પૈકીના મોટાભાગના ખેલાડીઓની વર્લ્ડ કપ માટે બ્રિટન જવાની શક્યતા છે.વિરાટ કોહલીને ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી બે વન-ડે અને ટી-20 સિરીઝમાં આરામ અપાયો હતો. જેને કારણે કોહલી વાપસી કરશે. રોહિત શર્માએ કોહલીની ગેરહાજરીમાં ટીમની કમાન સંભાળી હતી. તેને ટી-2સિરીઝમાં આરામ અપાઈ શકે છે. વન-ડે ટીમ માટે પસંદગીકારો 16 સભ્યોની જાહેરાત કરે તો અંજિક્ય રહાણેને સ્થાન મળી શકે છે. રહાણે પોતાની છેલ્લી વન-ડે મેચ સાઉથ આફ્રિકા સામે ગત વર્ષે રમ્યો હતો. એવામાં વર્લ્ડ કપ પહેલાં ફરી એક વાર ટીમ મેનેજમેન્ટ તેના પર ભરોંસો દર્શાવી શકે છે. મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદ પણ રહાણેને વર્લ્ડ કપ માટેની ટીમનો દાવેદાર ગણાવ્યો હતો. ઉપરાંત પાંચ વન-ડે મેચની સિરીઝ પૈકી છેલ્લી બે વન-ડેમાં શિખર ધવનને આરામ અપાઈ શકે છે. ધવનના સ્થાને લોકેશ રાહુલને તક મળી શકે છે જેથી પોતાની લય મેળવી શકે. વર્લ્ડ કપ માટે ઋષભ પંત અને દિનેશ કાર્તિક પૈકી એકની પસંદગી સંભવ છે તેવામાં સિરીઝ બંને ખેલાડીઓ માટે ઘણી મહત્ત્વની બની રહેશે. ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ બાદ આઈપીએલ શરૂ થશે તેમાં ખેલાડીઓના વર્ક લોડ અંગે ધ્યાન રખાશે.

 

(4:48 pm IST)