Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

ઓલિમ્પિકમાં બે ગોલ્ડ અપાવનાર ગંગાબાઈ કાગળના બોક્ષ બનાવી ગુજરાન ચલાવે છે

જમશેદપુર : સ્પેશ્યલ ઓલિમ્પિકમાં દેશને બે ગોલ્ડ મેડલ અપાવનાર ગંગાબાઈ આજે કાગળના બોક્ષ બનાવી ગુજરાન ચલાવવા મજબુર છે. જમશેદપુરના સોનારીની રહેવાસી દિવ્યાંગ ગંગાબાઈએ વર્ષ ૨૦૧૧માં એથેન્સમાં દેશને એક ગોલ્ડ અને બે સિલ્વર મેડલ અપાવ્યા હતા. પરંતુ આજે ગંગાબાઈ આર્થિક તંગીમાંથી પસાર થઈ રહી છે.

ગંગાબાઈ ખુદ અને પોતાના વૃદ્ધ માતા-પિતાનું કાગળના બોક્ષ બનાવી ગુજરાન કરી રહી છે. જોકે, તેને પ્રાઈવેટ સંગઠનો દ્વારા સહાયતા પ્રાપ્ત થઈ રહી છે, પરંતુ સરકાર તરફથી ક્યારે પણ કોઈ મદદ નથી મળી. ગંગાબાઈના પિતા સોહન લાલ સાહૂ અને માતા દુગુની દેવીનું કહેવું છે કે, દેશને ગોલ્ડ મેડલ અપાવવા છતા દીકરીને અત્યારે અમારૂ ગુજરાન કરવા આવું કરવું પડી રહ્યું છે. સરકારે કોઈ મદદ અથવા સરકારી નોકરી તો આપવી જોઈએ.

ગંગાબાઈની ખરાબ આર્થિક સ્થિતિને જોતા એક સામાજીક સંસ્થાએ તેને કાગળના બોક્ષ બનાવવાનું પ્રશિક્ષણ આપી રોજગારી આપી છે. સંસ્થાના અધ્યક્ષ અવતાર સિંહનું કહેવું છે કે, સરકારે આવા ખેલાડીઓની મદદે આવવું જોઈએ.દેશમાં એકતરફ ક્રિકેટર કરોડો રૂપિયા કમાણી કરી રહ્યા છે, તો ગંગાબાઈ જેવી ખેલાડી કાગળના બોક્ષ બનાવવા મજબૂર છે. સરકારે આવા ખેલાડીઓની મદદે આવી તેમને ગરીબીમાંથી બહાર નીકાળવા અને સારૂ પ્રદર્શન કરવાનો અવસર આપવો જોઈએ.(૩૭.૯)

(3:40 pm IST)