Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

ભારત-ઓસીઝ વચ્ચે પ્રથમ વન-ડેમાં રાયડુની બોલિંગ પર ઉઠ્યા સવાલ : ICC કરશે તપાસ

અંતિમ રિપોર્ટ આવતા સુધી રાયડૂને બોલિંગ કરવા મંજૂરી

સિડનીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ મેચમાં કાંગારું ટીમનો ૩૪ રને વિજય થયો હતો, જયારે રોહિત શર્માની શાનદાર સદી બાદ પણ ભારતીય ટીમે હારનો સ્વાદ ચાખ્યો હતો. બીજી બાજુ આ હાર બાદ ભારતને વધુ એક ઝટકો લાગ્યો છે.સિડની વન-ડેમાં ભારતીય ટીમના પાર્ટ ટાઈમ બોલર અંબાતી રાયડુની બોલિંગ એક્શન પર સવાલો ઉભા થયા છે, ત્યારબાદ હવે ICC (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) દ્વારા તપાસ કરવામાં આવશે.

 રાયડુએ પહેલી વન-ડેમાં ૨ ઓવરની બોલિંગ કરી હતી અને જેમાં ૧૩ રન આપ્યા હતા.

ICC  દ્વારા ટ્વિટ કરતા આ જાણકારી આપી છે. આઈસીસીના જણાવ્યા મુજબ, શંકાસ્પદ બોલિંગ એક્શન માટે અંબાતી રાયડુની ફરિયાદ નોંધવામાં આવી છે.

 હવે રાયડુને આગામી ૧૪ દિવસોમાં પોતાની બોલિંગ એક્શનની તપાસ કરાવવી પડશે. જો કે અંતિમ રિપોર્ટ સામે આવતા સુધી રાયડુને બોલિંગ કરવા માટેની અનુમતિ આપવામાં આવી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત ૫૦ ઓવરમાં ૫ વિકેટના નુકશાને ૨૮૮ રન બનાવ્યા હતા અને ભારતને ૨૮૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ ભારતીય ટીમ ૨૫૪ રન જ બનાવી શકી હતી અને ૩૪ રને હારનો સ્વાદ ચાખ્યો હતો.

(9:04 pm IST)