Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

વિશ્વ ક્રિકેટમાં સૌપ્રથમ 1000 મેચ જીતનાર પ્રથમ દેશ બન્યો ઓસ્ટ્રેલિયા

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાએ 2019માં જીતની શરૂઆત કરતા અનોખો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેણે શનિવારે સિડનીમાં રમાયેલી વનડે મેચમાં ભારતને 34 રને હરાવ્યું હતું. આ સાથે ઓસ્ટ્રેલિયા 1000 આંતરરાષ્ટ્રીય મેચ જીતનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. ઓસ્ટ્રેલિયા એકમાત્ર ટીમ છે, જેણે 800થી વધુ આંતરરાષ્ટ્રીય મેચ જીતી છે. ઈંગ્લેન્ડની ટીમ 774 જીતની સાથે બીજા સ્થાને છે.

ઓસ્ટ્રેલિયાની ટીમ ટેસ્ટ અને વનડે ફોર્મેટમાં સૌથી વધુ મેચ જીતનારી ટીમ છે. તેણે અત્યાર સુધી 1853 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેમાં 818 ટેસ્ટ, 921 વનડે અને 114 ટી20 મેચ સામેલ છે. ઓસ્ટ્રેલિયાએ તેમાંથી 384 ટેસ્ટ, 559 વનડે અને 58 ટી20 મેચ જીતી છે. ટેસ્ટ અને વનડેમાં જીતના મામલામાં તે વિશ્વની નંબર વન ટીમ છે. પાકિસ્તાને સૌથી વધુ 89 ટી20 મેચ જીતી છે. સૌથી વધુ ટી20 મેચ જીતવાના મામલામાં ભારત (69) ત્રીજા અને દક્ષિણ આફ્રિકા (63) ચોથા સ્થાને છે.

ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ત્રણેય ફોર્મેટમાં કુલ મળીને 244 મેચ યોજાઈ છે. તેમાંથી 122 મેચ ઓસ્ટ્રેલિયાએ જીતી છે, જ્યારે ભારતે 84 મેચ કબજે કરી છે. બંન્ને દેશો વચ્ચે એક મેચ ટાઈ રહી, 26 ટેસ્ટ ડ્રો રહ્યાં અને 11 મેચ રદ્દ થઈ છે. ત્રણેય ફોર્મેટમાં મળીને વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ સૌથી વધુ 234 વખત ઈંગ્લેન્ડને હરાવ્યું છે. આ સિવાય વેસ્ટ ઈન્ડિઝને 136, ન્યૂઝીલેન્ડને 128, આફ્રિકા 111 અને પાકિસ્તાન 100 વખત હાર્યું છે. શ્રીલંકાની ટીમ ઓસ્ટ્રેલિયા સામે 82 વખત હારી છે.

સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ જીતનાર 10 દેશ

ટીમ             મેચ       જીત    હાર    ટાઈ    ડ્રો    રદ્દ

ઓસ્ટ્રેલિયા    1851    1000    593    13    209    36

ઈંગ્લેન્ડ     1833    774    676    9    345    29

ભારત    1595    711    614    11    216    43

પાકિસ્તાન    1462    702    571    11    159    19

વેસ્ટઈન્ડિઝ    1434    608    606    14    175    31

દ.આફ્રિકા    1135    595    393    6    124    17

શ્રીલંકા     1219    522    567    6    86    38

ન્યૂઝીલેન્ડ    1294    486    589    11    165    43

ઝિમ્બાબ્વે    686    159    481    8    27    11

બાંગ્લાદેશ    552    157    370    0    16    9

 28 ટીમો રમી ચુકી છે આંતરરાષ્ટ્રીય મેચ

વિશ્વ ક્રિકેટની વાત કરીએ તો અત્યાર સુધી માત્ર 25 દેશો જ આઈસીસીના ટેસ્ટ, વનડે કે ટી20 ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં રમવાનો દરજ્જો મેળવી ચુક્યા છે. તેમાંથી 12 દેશોને ટેસ્ટ ક્રિકેટ રમવાનો દરજ્જો મળેલો છે. બાકી 13 દેશોને અલગ અલગ સમયે વનડે રમવાનો દરજ્જો મળતો રહ્યો છે, જે ખરાબ પ્રદર્શન બાદ પરત લઈ શકાય છે. આ 25 દેશો સિવાય આઈસીસી ઈલેવન, એશિયા ઈલેવન અને આફ્રિકા ઈલેવન પણ આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુકી છે.

(1:02 pm IST)