Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

ચાહકોના મતે ડીઆરએસ એટલે ડોન્‍ટ આસ્‍ક રિષભ સિસ્‍ટમ

નાગપુરઃ ઇન્‍ડિયન ક્રિકેટ ટીમના વિકેટકીપર રિષભ પંત માટે બંગલા દેશ સામેની ટીર૦ સિરીઝ માથાનો દુખાવો બની રહી હતી એમ કહી શકાય, કારણ કે પહેલી બે મેચમાં પંતની ભૂલો ટીમને ભારે પડી હતી. જોકે બીજી મેચ સદ્‌નસીબે ઇન્‍ડિયા જીતી ગયું હતું. ત્રીજી અને નિર્ણાયક મેચમાં તે કોઈ ભૂલ ન કરે એવી જ ચાહકો આશા રાખી રહ્યા હતા, પણ એના પર પાણી ફરી વળ્‍યું હતું અને પંતે ફરી એક વાર ભૂલ કરી હતી.

પહેલી ટીર૦ મેચમાં જે પ્રમાણે પંતે ડીઆરએસ માટે સલાહ આપી હતી એ ખોટી સાબિત થઈ હતી એ જ પ્રમાણેની ભૂલ નાગપુરની મેચમાં રિપીટ થઈ હતી. ખલીલ અહમદે મોહમ્‍મદ નઈમને જયારે શોર્ટ ડિલિવરી નાખીને બોલ પંતના હાથમાં ગયો એટલે તેણે આઉટની માગણી કરી ડીઆરએસ લેવાની સલાહ આપી હતી. જોકે એ સમયે સ્‍ટેડિયમમાં ધોની ધોનીની બૂમો સંભળાઈ હતી.

પંતની ખોટી સલાહને લીધે તે સોશ્‍યલ મીડિયામાં ટ્રોલ થયો હતો અને ટીકાકારોએ તો ડીઆરએસનું ફલફોર્મ જ બદલીને ‘ડોન્‍ટ આસ્‍ક રિષભ સિસ્‍ટમ' કરી દીધું હતું, જેને વાઇરલ થતાં જરાય વાર નહોતી લાગી.

(4:43 pm IST)