Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

ભારત ઇચ્છે તો પાકિસ્તાનને કંગાળ કરી શકેઃ ઇમરાન ખાન

ભારત જે ઇચ્છે એ થઈ જાય છેઃ કોઈ પણ દેશ ભારત વિરૂધ્ધ જવાની હિંમત નહીં કરે

નવી દિલ્હી, તા.૧૨: પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કબૂલ કર્યું હતું કે ભારતનું સંપૂર્ણ રીતે વિશ્વ કિક્રેટ પર પ્રભુત્વ છે. ઇમરાન હાલમાં ઇંગ્લેન્ડ અને ન્યુ ઝીલેન્ડ કિક્રેટ ટીમોના રદ થયેલા પાકિસ્તાનપ્રવાસ માટે નિરાશા વ્યકત કરી હતી. કોઈ પણ દેશ ભારત સામે પગલું નહીં ભરે, કેમ કે એમાં મોટી રકમ સામેલ છે, એમ તેમણે કહ્યું હતું.

ક્રિકેટ જગતમાં નાણાં એક મોટો ખેલાડી છે, ક્રિકેટરોની સાથે-સાથે ક્રિકેટ બોર્ડ માટે પણ. ભારત હવે વિશ્વ ક્રિકેટને નિયંત્રિત કરે છે. મારો કહેવાનો અર્થ એ છે કે ભારત જે ઇચ્છે એ થઈ જાય છે. કોઈ પણ દેશ ભારત વિરુદ્ઘ જવાની હિંમત નહીં કરે, કેમ કે એ દેશો જાણે છે કે એમાં નાણાં સામેલ છે. વળી ભારત ક્રિકેટમાંથી વધુ નાણાં બનાવી શકે છે. હજી હાલમાં જ ૧૯૯૨ પાકિસ્તાનને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર ઇમરાને રમીઝ રાજાના એક નિવેદનને ટેકો આપતાં કહ્યું હતું કે ભારત ઇચ્છે તો પાકિસ્તાનને કંગાળ બનાવી શકે છે.

વિશ્વમાં BCCI સૌથી શ્રીમંત બોર્ડ છે અને એ વર્લ્ડ ક્રિકેટને નિયંત્રિત કરે છે. ઇંગ્લેન્ડે હાલમાં પ્રવાસ રદ કર્યો હતો, પણ ભારતની સામે આવું કરવાની કોઈ પણ દેશ હિંમત નહીં કરે.  જો ભારતના વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી નિર્ણય લે તો PCBના ICCથી કોઈ આર્થિક મદદ ના મળે અને PCB ખતમ થઈ જાય. PCBના ICC દ્વારા ૫૦ ટકા નાણાકીય મદદ મળે છે, જેને BCCI દ્વારા ૯૦ ટકા આર્થિક સહાય મળે છે. જો કાલે વડા પ્રધાન મોદી નિર્ણય લે કે અમે પાકિસ્તાનને ફન્ડિંગ નહીં મળવું જોઈએ તો PCB કડડડભૂસ થઈ જાય, એમ રાજાએ પાકિસ્તાનની સેનેટ સ્ટેન્ડિંગ કમિટીમાં કહ્યું હતું.

(3:59 pm IST)