Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

નાઇટહૂડને લઈને શરૂ થયેલી કન્ટ્રોવર્સીથી મને ફરક નથી પડતો : જયોફ્રી બોયકોટ

કેટલાક લોકોએ તેનો વિરોધ કર્યો'તો

ક્રિકેટ જગતમાં પોતાના અમૂલ્ય યોગદાનને કારણે ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર જયોફ્રી બોયકોટ અને એન્ડ્ર્યુ સ્ટ્રાઉસને નાઇટહૂડની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા છે. બોયકોટને આ પદવી મળતાં તેની સાથે જોડાયેલો બે દશક જૂનો વિવાદ ફરી એક વાર જાગી ગયો છે. ૧૯૯૬માં બોયકોટે એક ફ્રેન્ચ હોટેલમાં પોતાની ગર્લફ્રેન્ડ માર્ગરેટ મુરી સાથે હાથાપાઈ કરી હતી જેના બાદ તેના પર ફ્રાન્સની કોર્ટમાં કેસ પણ ચાલ્યો હતો. બોયકોટને આ પદવી મળતાં કેટલાક સમાજસેવકોએ એનો વિરોધ કર્યો હતો જેના જવાબમાં બોયકોટે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે આ લગભગ ૨૫ વર્ષ જૂની વાત છે. મને નાઇટહૂડની ઉપાધિ માત્ર ક્રિકેટના ક્ષેત્રમાં મારા યોગદાનને કારણે આપવામાં આવી છે. આ વાતને લઈને જે પણ કન્ટ્રોવર્સી ચાલી રહી છે એનાથી મને ફરક નથી પડતો.

નોંધનીય છે કે બોયકોટ પર લાગેલા આ આરોપને પગલે તેને એ સમયે ૫૦૦૦ પાઉન્ડ અને ત્રણ મહિનાનો જેલવાસ વેઠવાનો વારો આવ્યો હતો. બોયકોટે કુલ ૧૦૮ ટેસ્ટ મેચમાં ૮૧૧૪ રન બનાવ્યા છે.

(3:53 pm IST)