Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

ભારતીય ફૂટબોલ ટીમનો લડાયક દેખાવ : એશિયન ચેમ્પિયન કતાર સામેની મેચ ડ્રો

ભારત હવે ૧૫મી ઓક્ટોબરે બાંગ્લાદેશ સામે ટકરાશે.

નવી દિલ્હી :  કેપ્ટન સુનિલ છેત્રીની ગેરહાજરીમાં કેપ્ટન્સી સંભાળી રહેલા ગોલકિપર ગુરપ્રીત સિંઘ સંધૂએ શાનદાર દેખાવ કરતાં ભારતે એશિયન ચેમ્પિયન કતાર સામેની મેચ ૦-૦થી ડ્રો કરતાં ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયર્સમાં ખાતું ખોલાવ્યું હતુ. ફિફા રેન્કિંગમાં ૧૦૩મું સ્થાન ધરાવતા ભારતે અપેક્ષા કરતાં જબરજસ્ત દેખાવ કરતાં ૬૨માં ક્રમાંકિત કતારને તેના જ હોમગ્રાઉન્ડ પર બરોબરી પર અટકાવવામાં સફળતા મેળવી હતી.

   અગાઉ ગુવાહાટીમાં રમાયેલી ઓમાન સામેની મેચમાં ભારતનો ૧-૨થી પરાજય થયો હતો. જોકે કતાર સામેની ડ્રોને પરીણામે ભારતે બે મેચમાં ૧ પોઈન્ટ મેળવ્યો છે. કતારે અગાઉની મેચમાં ૬-૦થી અફઘાનિસ્તાનને હરાવ્યું હતુ. ભારત હવે ૧૫મી ઓક્ટોબરે બાંગ્લાદેશ સામે ટકરાશે. એક તરફી મુકાબલામાં કતારના હાઈપ્રોફાઈલ ખેલાડીઓએ એક પછી એક આક્રમણ કરીને ભારતીય ડિફેન્ડરો અને ગોલકિપર ગુરપ્રીતની કસોટી કરી હતી.

જોકે ગુરપ્રીતે એકલા હાથે સંઘર્ષ કરતાં ગોલ થવા દીધો નહતો અને મેચને ૦-૦થી બરોબરી અટકાવી રાખી હતી. આખી મેચમાં ભારતીય ટીમે કતારના ગોલપોસ્ટ પર માત્ર બે જ શોટ ફટકાર્યા હતા. જોકે ભારતીય ડિફેન્ડરોએ કતારના ખેલાડીઓને બાંધી રાખ્યા હતા.

(1:31 pm IST)